Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનાની અસરના કારણે મુંબઇમાં ફિલ્‍મ અભિનેતાઓના ઘર પાસે ટોળા ઘટયા

મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઈ બોલિવુડનો ગઢ છે. બોલિવુડના શાઈનિંગ સ્ટાર્સ આ આર્થિક રાજધાનીમાં રહે છે. શાહરૂખ ખાન હોય કે પછી સલમાન ખાન, અમિતાભ બચ્ચન હોય કે પછી અક્ષય કુમાર, તમામ સ્ટાર્સ મુંબઈના પ્રાઈમ લોકેશન પર રહે છે અને આ સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે ફેન્સ મોટી સંખ્યામાં તેમના ઘરની બહાર અનેક કલાકો, અનેક દિવસો, અનેક મહિનાઓ સુધી ઉભા રહે છે. વગર ખાઈને, ભૂખ્યા રહીને, પાણી વગર ઉભા રહીને આ ફેન્સ માત્ર તેમના મનગમતા સ્ટાર્સના દીદાર કરવા માટે ઉભા રહે છે. પરંતુ કોરોના વાયરસ ને કારણે ભારતમાં પગપેસારો કરવાથી હવે તસવીર એકદમ બદલાઈ ગઈ છે. જુઓ શું બદલાઈ ગયું છે.

મહાનાયક અમિતાભ બચ્ચનનું ઘર જુહૂના પ્રાઈમ લોકેશન પર છે. મહાનાયક અમિતાભ બચ્ચનને જોવા માટે જલસા બંગલાની બહાર હંમેશા ફેન્સ મોટી સંખ્યામાં હાજર રહે છે. ખાસ કરીને રવિવારના રોજ અમિતાભ બચ્ચન પોતાના ફેન્સને મળે છે અને આભાર માને છે. અનેકવાર તેઓ સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ પોસ્ટ કરતા રહે છે. પરંતુ બચ્ચનના ફેન્સ પર કોરોના ઈફેક્ટ નજર આવી રહી છે. એક સમયે જે ફેન્સ પોલીસના દંડા ખાધા બાદ પણ જલ્સાની બહારથી હટતા ન હતા, આજે કોરોનાના ડરથી જલસાની આસપાસ અનેક કિલોમીટર સુધી કોઈ પણ નજર નથી આવી રહ્યું. એટલું જ નહિ, એ રસ્તો પણ સૂમસાન બની ગયો છે. જલસાની બહાર ગત 25 વર્ષોથી લારી પર સમોસા વેચનારા ગુપ્તાજીનું કહેવું છે કે, આટલી શાંતિ પહેલા ક્યારેય પણ ન હતી, પહેલા અહીં દોઢ હજાર સમોસા વેચતો હતો. બચ્ચન સાહેબને જોવા માટે ફેન્સ બહાર મોટી સંખ્યામાં એકઠા થતા હતા, પરંતુ હવે કોઈ પણ ત્યાં નથી. અમારું કામ હાલ ઠંડું છે.

હવે વાત કરીએ સુપરહીટ ખેલાડી કુમાર અક્ષય કુમાર અને સુપરસ્ટાર રિતીક રોશનની... પ્રાઈમ બીચ પ્લોટ નંબર 1 આ બંને સ્ટાર્સનો એડ્રેસ છે. અક્ષય કુમાર અને રિતીક રોશનના ફેન્સ પ્રાઈમ બીચની બહાર આ ગલીમાં કલાકો સુધી ઉભા રહે છે. કેટલાક ફેન્સ તો દીવાનગીની હદ પાર કરીને અનેક દિવસો સુધી અહી ઉભા રેહ છે. પરંતુ અહી પણ સન્નાટો છે.

અક્ષય અને રિતીકને મળવા આવનાર આ સ્ટાર્સ પ્રાઈમ બીચની આ ગલીમાં લાંબો સમય ઉભા રહે છે. પરંતુ હવે અહી સન્નાટો જોવા મળી રહ્યો છે. પર્સનલ સિક્યોરિટી ગાર્ડ ઉપરાંત હવે અહીં કોઈ પણ નથી. કોરોના ઈફેક્ટને કારણે ફેન્સ ગત બે સપ્તાહથી આ ગલીમાં દેખાયા નથી. અહીં લાંબા સમયથી કામ કરનારા સિક્યોરિટી ગાર્ડ દૂબેનું કહેવુ છે કે, ગત અનેક દિવસોથી કોઈ ફેન અહીં આવી નથી રહ્યાં. કોરોનાને કારણે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું છોડી દીધું છે.

કિંગ ખાન શાહરૂખ ખાનનું ઘર મન્નત મુંબઈનું લેન્ડમાર્ક છે. મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં આવેલ મન્નતની બહાર ફેન્સનો જમાવડો સેંકડો સંખ્યામાં એકત્રિત થાય છે. પરંતુ મન્નત પણ સૂમસામ પડી ગયું છે. કોરોના ઈફેક્ટમાં શાહરૂખના ડાયહાર્ડ ફેન્સએ ઘરની બહાર નીકળવાનું છોડી દીધું છે. ભારત સરકાર, રાજ્ય સરકાર સતત આહવાન કરી રહી છે કે, પબ્લિક ગેધરિંગને અવોઈડ કરવામાં આવે. પબ્લિક પ્લેસિસ પર જરૂર હોય તો જ નીકળો. કદાચ આ વાતને માનીને ફેન્સ આવી નથી રહ્યાં. મન્નતની બહાર ઉભા રહીને ફોટો લેવાનું પણ હવે અહીં દેખાતું નથી. 

દબંગ ખાન સલમાન ખાનનો ઉલ્લેખ હોય અને ગેલેક્સી એપાર્ટમેન્ટની વાત ન થાય તો કેવું ચાલે. ભલે ઈદ હોય કે દિવાળી, દશેરા હોય કે અન્ય કોઈ તહેવાર... ભાઈજાનના ઘરની બહાર તેમના દીદાર કરવા માટે હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે. સામાન્ય દિવસોમાં પણ ગેલેક્સીની બહાર ફેન્સ ઉભેલા દેખાય છે. પરંતુ કોરોના વાયરસને કારણે ગેલેક્સીની આસપાસ તો શું, બેન્ડ સ્ટેન્ડ પર પણ કેટલાક ગણતરીના લોકો જ ઉભેલા દેખાય છે.

(5:02 pm IST)