Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોના વાયરસના કારણે RSSની પ્રતિનિધિ સભા રદ્દ

સંઘના સર-કાર્યવાહ ભૈયાજી જોશીએ પત્રકાર પરિષદમાં ત્રણ પ્રસ્તાવો અંગે વિગતો વર્ણવી

રાજકોટ તા. ૧૯ : કોરોના વાયરસના કારણે આરએસએસની પ્રતિનિધિ સભા રદ્દ થઇ હતી. સંઘના સર-કાર્યવાહ ભૈયાજી જોશીએ ત્રણ પ્રસ્તાવો અંગે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી, જે નીચે પ્રમાણે છે.

ભારતીય બંધારણને જમ્મુ - કાશ્મીરમાં પૂર્ણપણે લાગુ કરવું

પ્રસ્તાવના નં. ૧ : સંઘનું અખિલ ભારતીય કાર્યકારી મંડળ, સન્માનિય રાષ્ટ્રપતિના બંધારણીય આદેશો દ્વારા ભારતીય બંધારણને જમ્મુ - કાશ્મીર રાજ્યમાં પૂર્ણપણે લાગુ કરવા તથા સંસદના બંને સદનોના અનુમોદન પછી કલમ ૩૭૦ને નિષ્પ્રભાવી કરવાના નિર્ણયનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. રાજ્યના જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુર્નરચના કરવાનો નિર્ણય પણ એક સરાહનીય પગલુ છે. અખિલ ભારતીય કાર્યકારી મંડળ આ સાહસિક અને ઐતિહાસિક નિર્ણય માટે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રહિતમાં સમર્થન આપીને પોતાની પરિપકવતાનો પરિચય આપનારા બધા રાજકીય પક્ષોને અભિનંદન આપે છે. માનનીય વડાપ્રધાન તથા તેમના સાથીદારો દ્વારા આ બાબતે દર્શાવાયેલી રાજકીય ઇચ્છાશકિત અને દૂરંદેશી પ્રશંસનીય છે.

આમ તો ભારતીય બંધારણની બધી જોગવાઇઓ દેશના બધા વિસ્તારોમાં સમાનરૂપે લાગુ થવી જરૂરી હતી પણ વિભાજન પછી તરત જ પાકિસ્તાની આક્રમણની તાત્કાલિક અને અસામાન્ય પરિસ્થિતિમાં કલમ ૩૭૦ને એક હંગામી જોગવાઇ તરીકે બંધારણમાં રખાઇ હતી. સમયાંતરે કલમ ૩૭૦ની આડમાં મોટી સંખ્યામાં બંધારણની કલમોને જમ્મુ - કાશ્મીર રાજ્યમાં કાં તો લાગુ જ ન કરાઇ અથવા સુધારેલા રેપમાં લાગુ કરાયા હતા. રાષ્ટ્રપતિના વટહુકમો દ્વારા કલમ ૩૫ એ જેવી જોગવાઇઓને મનમાની રીતે બંધારણમાં જોડી દેવા જેવા પગલાઓના કારણે અલગતાવાદના બીજ વાવવામાં આવ્યા. આ બંધરણીય વિસંગતિઓના કારણે અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગ, ગુરખા, મહિલા, સફાઇ કર્મચારી તથા પશ્ચિમ પાકિસ્તાનથી આવેલ શરણાર્થીઓ વગેરે ઘોર ભેદભાવનો સામનો કરી રહ્યા હતા. જમ્મુ અને લદ્દાખ વિસ્તારને રાજ્ય વિધાનસભામાં આનુપાતિક પ્રતિનિધિત્વ તથા સંસાધનોની વહેંચણી અને નિર્ણય પ્રક્રિયામાં સહીયારી ભાગીદારીથી વંચિત કરી દેવાયા હતા. આના કારણે રાજ્યમાં સર્વત્ર કટ્ટરવાદ અને આતંકવાદનો ફેલાવો જોવા મળતો હતો.

અખિલ ભારતીય કાર્યકારી મંડળનો એ મત છે કે હાલમાં લેવાયેલ નિર્ણય અને તેના અમલીકરણથી ઉપરોકત બંધારણીય તથા રાજકીય વિસંગતિઓ ખતમ થશે. કાર્યકારી મંડળને એ પણ વિશ્વાસ છે કે ઉપરોકત નિર્ણય ભારતની અવધારણા 'એક રાષ્ટ્ર એક જન'ને અનુરૂપ છે અને બંધારણ બનાવનારાઓ દ્વારા પ્રસ્તાવનામાં વર્ણીત આકાંક્ષા 'અમ ભારત કે લોગ'ને પૂર્ણ કરનારો છે.

શ્રી રામ જન્મભૂમિ પર મંદિરઃ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતિક

પ્રસ્તાવના નં. ૨ : સંઘના અખિલ ભારતીય કાર્યકારી મંડળનું માનવું છે કે, માનનીય સર્વોચ્ચ ન્યાયાલયનાં સર્વસંમત નિર્ણયથી આખા રાષ્ટ્રની આશાઓને અનુરૂપ શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા, પર ભવ્ય મંદિરના નિર્માણની બધી અડચણો દુર થઇ ગઇ છે. રામજન્મભૂમિ બાબતે ૯ નવેમ્બર ર૦૧૯ના માનનીય સર્વોચ્ચ અદાલતે જે નિર્ણય આપ્યો છે તે ન્યાયિક ઇતિહાસના મોટા નિર્ણયોમાંનો એક છે. માનનીય ન્યાયાધીશોએ સુનાવણી દરમ્યાન ઉત્પન્ન કરવામાં આવેલી અનેક પ્રકારની અડચણો છતા અતુલનીય ધીરજ અને સુઝબુઝનો પરિચય આપતા એક અત્યંત સંતુલિત ચુકાદો આપ્યો છે. અભાકામ આ ઐતિહાસિક ચુકાદા માટે માનનીય સર્વોચ્ચ ન્યાયાલયને હાર્દિક અભિનંદન આપે છે.

શ્રી રામ જન્મભૂમિની તરફેણમાં પ્રબુધ્ધ વડીલોએ જે સમર્પણ, નિષ્ઠા અને વિદ્વતા સાથે સાબિતિઓ અને દલીલો રાખી તેના માટે તેઓ બધા સાધુવાદને પાત્ર છે. આનંદનો વિષય છે કે સમાજના કોઇપણ વર્ગે આ ચુકાદાને પોતાની જીત કે હાર ના રૂપમાં ન લેતા તેને દેશ, ન્યાય અને બંધારણના વિજય તરીકે સ્વીકાર્યો, અભાકામં આ પરિપકવતા પૂર્ણ વ્યવહાર માટે સમગ્ર દેશના નાગરિકોને અભિનંદન આપે છે.

શ્રી રામ જન્મભૂમિ મંદિરનો સંઘર્ષ, વૈશ્વિક ઇતિહાસના લાંબા સમય સુધી ચાલેલા સંઘર્ષોમાં અનોખો છે. ૧પર૮ થી સતત ચાલતા રહેલા આ સંઘર્ષમાં લાખો રામભકતોએ બલિદાન આપ્યા છે. મંડળ બધા જ્ઞાત-અજ્ઞાત બલિદાન આપનારાઓનું આ તકે પુણ્યસ્મરણ કરીને તેમને શ્રધ્ધાંજલી આપવાનું પોતાનું પાવન કર્તવ્ય ગણે છે.

ન્યાયાલયનો ચુકાદો આવ્યા પછી બધા વર્ગોનો વિશ્વાસ પ્રાપ્ત કરીને સદભાવપુર્ણ રીતે તેને સ્વીકાર કરાવવો કોઇપણ સરકાર માટે એક પડકારરૂપ કાર્ય હતું. જે ધીરજ અને સાહસ સાથે સરકારે બધાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો તેના માટે કાર્યકારી મંડળ કેન્દ્ર સરકાર અને વર્તમાન રાજકીય નેતાગીરીને હાર્દિક અભિનંદન આપે છે.

નાગરીકતા  સંશોધનકાનુન ર૦૧૯ ભારતનું નૈતિક અને બંધારણીય દાયીત્વ

પ્રસ્તાવના નં. ૩ : સંઘનું અખિલ ભારતીય કાર્યકારી મંડળ, પાડોશી ઇસ્લામીક દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ તથા અફઘાનિસ્તાનમાં ધર્મના આધાર પર પીડીત થઇને ભારત આવેલા હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચીયનોને ભારતનું નાગરીકત્વ આપવાની પ્રક્રિયાની જટીલતાઓ ખતમ કરીને સરળ બનાવવા માટે નાગરીકતા સ઼શોધન કાનુન-ર૦૧૯ પસાર કરવા માટે ભારતીય સંસદ અને કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન આપે છે.

૧૯૪૭માં ધર્મના આધારેભારતના ભાગલા થયા હતા બન્ને દેશોએ પોતાને ત્યાં રહેલ લઘુમતીને સુરક્ષા પુર્ણ સન્માન અને સમાન તકોનું આશ્વાસન આપ્યું હતું. ભારતની સરકાર તથા સમાજે લઘુમતીના હિતોની સંપુર્ણ રક્ષા કરી અને સરકારે તેના ભૌગોલીક વિસ્તારોમાં રહેતા લઘુમતીઓની સુરક્ષા અને વિકાસ માટે બંધારણીય પ્રતિબધ્ધતા સાથે ખાસ નીતીઓ પણ બનાવી. બીજી તરફ ભારતથી અલગ થયેલ દેશ નેહરૂ-લિયાકત સમજુતી અને સમયે સમયે નેતાઓના આશ્વાસનો છતા આવુ વાતાવરણ ન આપી શકાયા.

આ દેશોમાં રહેતા લઘુમતી લોકોનું ધાર્મિક ઉત્પીડીન, તેમની સંપતિઓ પર બળ પુર્વક કબજો તથા મહિલાઓ પર અત્યાચારની સતત ઘટનાઓએ તેમને નવી ગુલામીમાં ધકેલી દીધા . ત્યાંની સરકારોએ પણ અન્યાયી કાયદાઓ અને ભેદભાવ પુર્ણ નીતીઓ બનાવીને આ લઘુમતીઓના ઉત્પીડનને પ્રોત્સાહન જ આપ્યું. પરીણામે આ દેશોની લઘુમતીઓ મોટી સંખ્યામાં ભારત આવવા મજબુર બની.ભારતીય સમાજ અને ભારત સરકારની આ નૈતીક અને બંધારણીય જવાબદારી બને છે કે તે આ પ્રતાડીત લઘુમતીઓના હિતોની રક્ષા કરે.

(4:00 pm IST)