Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સોનાના ભાવમાં 10 દિવસમાં 10 ટકાનું ગાબડું :ઝવેરીબજારમાં વેપાર ઠપ્પ :ગ્રાહકીનો અભાવ

રોકાણકારોને તક હોવા છતાં કોરોના ઈફેક્ટને કારણે ભાવમાં જબરી વધઘટથી અવઢવ વધી

નવી દિલ્હી : સોના-ચાંદી અને શેરબજારમાં છેલ્લા દસેક દિવસથી ગાબડાનો દોર શરૂ થયો છે અલબત્ત શેર માર્કેટ સતત ઘટી રહ્યું છે જયારે સોના અને ચાંદીમાં પણ ભાવમાં ઘટાડો જોવાઈ રહયો છે જોકે સવાર અને સાંજના ભાવમાં જબરી મુવમેન્ટ જોવાતી હોય બુલિયન બજારનો માહોલ અનિશ્ચિત બન્યો છે જેના કારણે ઝવેરીબજારમાં વેપાર ઠપ્પ છે

સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં 10 ટકાનું ગાબડું પડ્યું છે જોકે ભાવમાં જબરી મૂવેમેન્ટને કારણે ક્યારે સુધારો થાય અને ક્યારે એ સુધારો ધોવાઈ જાય એ કહેવું મુશ્કેલ બન્યું છે આ સંજોગોમાં વેપારીઓ વેઇટ અને વોચની સ્થિતિ અપનાવી રહ્યાં છે બીજીતરફ ગ્રાહકો પણ ભાવમાં હજુ વધુ ઘટાડો થાય તેની રાહ જોઈ રહ્યાંનું મનાય છે

 સોનાના ભાવ છેલ્લા 10 દિવસોમાં 9 ટકાથી વધુ ઘટવા છતાં ખરીદારી વધતી નથી, સોનાના ભાવ 6 માર્ચે ચડીને 44,274 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (3 ટકા GST વિના) પહોંચી ગયો હતો. જો કે, ગુરુવારે 39,910 પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે જે મંગળવારે આ ઘટીને 40,195 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (GST વિના) પર ટ્રેડ કરી રહ્યો હતો. દિલ્હીમાં આ મંગળવારે 80 રૂપિયા ગબડીને 39,719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો.અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 39,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 40,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

 દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (એનસીઆર)ના જ્વેલરીની દુકાનો પર ગ્રાહકોની સંખ્યામાં 50-60 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પીસી જ્વેલર્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર આર કે શર્માએ કહ્યું કે, જ્વેલર્સની દુકાનો કોરોના વાયરસને કારણે બંધ છે. આવી સ્થિતિમાં સોનુ ખરીદવાના પૈસા ક્યાંથી આવશે. જો કે, જો કોઈ સોનામાં રોકાણ કરવા માંગે, તો તેના માટે આ યોગ્ય સમય છે.

 

 ઝવેરીબજારના બુલિયન ડીલરોએ જણાવ્યું કે કારોબાર સ્થિર છે. થોડા જવેલર્સ ખરીદી માટે આવતા હોય છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન ઓફ મુંબઇના રાષ્ટ્રીય સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, ઝવેરી બજારમાં ધંધો સામાન્ય સ્તરે નથી. રસ્તા પર ભીડ ઘટી છે. ધંધો ખૂબ સુસ્ત પડી ગયો છે. લોકો ઘરોમાં રહેવાનું પસંદ કરે છે. ત્યારે ઝવેરી બજાર બંધ હોવાની અફવાઓએ પણ મુશ્કેલીઓ વધારી દીધી છે. હકીકતમાં, સરકાર તરફથી બજારમાં બે ગોલ્ડ મોલ બંધ કરવાનો ઓર્ડર મળ્યો છે.

(11:58 am IST)