Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

લોક ડાઉનના ભયથી જીવન જરૂરીયાતની ચીજો ખરીદવા ઘસારો

નવી દિલ્હી :  દેશભરમાં કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે લોક ડાઉનની શંકાઓ વધી ગઇ છે અને તેને ધ્યાનમાં રાખીને લોકોએ જીવન જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ કલકત્તાના રહેવાસી સુમિત સમદાર કહે છે, ''આ પરિસ્થિત''માં ઓછામાં ઓછો એક મહિનાનો સામાન ખરીદીને રાખવો બહેતર રહેશે. કોઇને નથી ખબરકે કાલે શું થશે. જીવન જરૂરી સામાન મળશે કે નહી અને તેના ભાવ કેવા હશે.

સિમેન્ટ કંપનીમાં કામ કરાનાર સમદદાર એક માત્ર એવી વ્યકિત નથી જે આવું વિચારે છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં લાખો લોકો પરચૂરણ સામાન ની દુકાનો, રીટેલ અને ઓનલાઇન દ્વારા ખાવા પીવાની જરૂરી વસ્તુઓની ખરીદી કરી છે. એવું માનવામાં આવે છે કે જો કોરોનાનું સંકટ વધશે તો દેશમાં લોકડાઉન થઇ શકે છે.

અત્યારે પરિસ્થિતી એવી છે કે ખાવા પીવાની જરૂરી વસ્તુઓની ભારે માંગને કારણે કરીયાણાની દુકાનમાં સ્ટોક ઝડપથી ખલાસ થતો રહે છે. જે વસ્તુઓની વધારે માંગ છે તેમાં લોટ,ચોખા, ખાંડ, ખાદ્યતેલ, કઠોળ અને બટેટા સામેલ છે. કેટલાક સ્થળોએ તો દુકાનદારો ગ્રાહકોને થોડા દિવસ પછી આવવાનું પણ કહી રહ્યા છે કેમકે તેમની પાસે સ્ટોક ખલાસ થઇ ગયો છે. ચેન્નઇની એક જૂની દુકાનના ગ્રાહકોનું કહેવું છે કે મોટા સ્ટોરો તો બંધ કરી દેવાયા છે, જો નાની દુકાનો પણ બંધ થઇ જાય તો શું કરવું. અમે જીવન જરૂરીયાતની વસ્તુઓ એટલે ભેગી કરી રહ્યા છીએ કે જો લોક ડાઉનની સ્થિતી આવી પડે તો તકલીફ ન પડે.

કલકત્તાની વસ્તીમાં માંસાહારી લોકોનો મોટો હિસ્સો છે અહીં લોકો મોટા પ્રમાણમાં ડબ્બા પેક માછલીઓ અને શાકભાજી ખરીદી રહ્યા છે. જેને લાંબો સમય રાખી શકાય છે. અછતની બીકથી અનાજ અને શાકભાજીની માંગમાં વધારો થયો છે. જ્યારે ચીકન અને ઇંડાની માંગમાં ભારે ઘટાડો થયો છે. ચિકન અને ઇંડા ખાવાથી કોરોના ફેલાતો હોવાની અફવાનું બજાર ગરમ છે.

(11:34 am IST)