Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સિડનીથી આવેલા કોરોના વાયરસનાં શંકાસ્પદ યુવકે હોસ્પિટલના સાતમા માળેથી લગાવી મોતની છલાંગ

૩૫ વર્ષીય ચરણજીત સિંહ બુધવારે સિડનીથી એરઈન્ડિયાની ફલાઈટથી પરત ફર્યો હતો, એરપોર્ટ ઉપર તેનામાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સફદરજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા.૧૯: કોરોનાનો કહેર ઓછો થવાનું નામ નથી લેતો ત્યારે લોકો ઉપર કોરોના વાયરસનો પ્રભાવ વધતો જાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બુધવારે એક કોરોના વાયરસ શંકાસ્પદ યુવકે સફદરજંગ હોસ્પિટલની બિલ્ડિંગના સાતમાં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

યુવકનું નામ ચરણજીત સિંહ અને તેમની ઉંમર ૩૫ હોવાનું માલુમ પડ્યું છે. તે બુધવારે સિડનીથી એરઈન્ડિયાની ફ્લાઈટથી પરત ફર્યો હતો. એરપોર્ટ ઉપર તેનામાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સફદરજંગ હોસ્પિટલમાં મોકલાવમાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ચરણજીતે બુધવારે રાત્રે ૯ વાગ્યે સફદરજંગ હોસ્પિટલમામં લાવવામાં આવ્યો હતો. તેઓ મૂળરૂપથી પંજાબનો રહેનારો હતો. છેલ્લા એક વર્ષથી સિડનીમાં રહેતો હતો. માથામાં દુખાવો હોવાની ફરિયાદ બાદ તેને કોરોના વાયરસ શંકાસ્પદ માનીને એરપોર્ટથી સીધા સફદરજંગ મોકલવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ત્રણ દર્દીઓના મોત નીપજયા છે. આ મોત દિલ્હી, કર્ણાટક અને મુંબઈમાં થયા છે. દરેક પીડિત ઉંમરલાયક હતા. અત્યાર સુધી દેશમાં ૧૬૦થી વધારે લોકો કોરોના વાયરસથી પીડિત છે. વિશ્વના આંકડાઓ ઉપર નજર નાંખીએ તો ૮,૦૦૦થી વધારે લોકો કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે. બે લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે.

(10:30 am IST)