Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સરકારે બેંકોને આપી સલાહ : ગ્રાહકોને ડિજીટલ પેમેન્ટ માટે પ્રેરીત કરવામાં આવે

ચેતજો ! કેશથી પણ ફેલાય છે કોરોના

નવી દિલ્હી તા. ૧૯ : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસથી બચવાના કેટલાંક ઉપાય બતાવ્યા છે તેની વારંવાર દુહાઇ અપાય રહી છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે એ ભૂલી રહ્યા છીએ કે બેન્ક નોટ પણ કેટલાંય હાથોમાંથી પસાર થઇને આપણી પાસે પહોંચે છે. આથી સરકારે બેન્કોને કહ્યું કે તેઓ ગ્રાહકોને કેશની જગ્યાએ યુપીઆઇ, એનઇએફટી, મોબાઇલ બેન્કિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડસ જેવા ડિજિટલ પેમેન્ટસ માટે પ્રેરિત કરે જેથી કરીને લોકોના વાયરસના સંક્રમણના ખતરાને ટાળવામાં વધુ મદદ મળે.

નાણાં મંત્રાલયની તરફથી બુધવારના રોજ રજૂ કરાયેલા નોટિફિકેશનમાં કહ્યું છે કે કેશ વાયરસના ફેલાવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ હોઇ શકે છે. તેમાં બેન્કોને ભલામણ કરાઇ છે કે તેઓ મીડિયા, સોશિયલ મીડિયા, ઇમેલ અને એસએમએસ જેવા માધ્યમોથી લોકોને જાગૃત કરવાનું અભિયાન છેડે. મંત્રાલયે કહ્યું કે બેન્કોને કહેવું જોઇએ કે હાલની સ્થિતિમાં ડિજીટલ પેમેન્ટસથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શું ફાયદો થઇ શકે છે.

નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને બેન્ક શાખાઓ, એટીએમ જેવી જગ્યાઓ પર બેનર-પોસ્ટર લગાવીને પણ જાગૃત કરવા જોઇએ. આ સિવાય સરકારે બેન્ક કર્મચારીઓ, એજન્ટો, ગ્રાહક સેવા પ્રદાતાઓને ગ્રાહકો માટે સેનિટેશનની સુવિધા પણ સુનિશ્ચિત કરવાનું કહ્યું જેથી કરીને આધારથી સંચાલિત પેમેન્ટ સિસ્ટમ માટે બાયોમેટ્રિક રીડર અને એટીએમ જેવા સાધનોને અડવા પર સંક્રમણનો ખતરો ના રહે.

(10:26 am IST)