Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

એસબીઆઇના ઇકોરેપ રિપોર્ટ મુજબ

દેશમાં પેટ્રોલ ૧ર અને ડીઝલ ૧૦ રૂપિયા સસ્તુ થઇ શકે

નવી દિલ્હી તા. ૧૯ :.. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઇ) ના ઇકોરેપ રિપોર્ટ પ્રમાણે ભારતમાં પેટ્રોલ ૧ર રૂપિયા અને ડીઝલ ૧૦ રૂપિયા સુધી સસ્તું થઇ શકે છે. આ પાછળનું કારણ કોરોના વાઇરસની મહામારી છે. કોરોના વાઇરસના કારણે ક્રુડ ઓઇલના વૈશ્વિક ભાવમાં આશરે ૩૦ ટકા સુધી ઘટાડો થયો છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો ઘટાડો થઇ શકે છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર એકસાઇઝ ડયુટી ન વધારે તો જ આ શકય છે. કેન્દ્ર અને રાજય સરકાર બન્ને ફયુઅલની કિંમતમાં ઘટાડો કરવા ઇચ્છુક નહીં હોય તો લોકોને ક્રુડ ઓઇલમાં ઘટાડાનો ફાયદો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા તરીકે નહીં મળી શકે.

કોરોના વાઇરસના કારણે કોવિડ-૧૯ ની મહામારીથી વિશ્વભરનાં બજારોમાં હાહાકાર મચ્યો છે. અને શેરબજારમાં રોજ ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત ક્રુડ ઓઇલના ભાવમાં છેલ્લા થોડા દિવસોમાં ૩૦ ટકા સુધી ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રુડનો ભાવ ૩૦.૮પ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. આ સ્થિતીમાં દેશમાં ક્રુડ ઓઇલના ભાવની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે.

પરંતુ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર ૩ રૂપિયાની એકસાઇઝ ડયુટી વધારી દીધી છે જેના કારણે ઘટતી કિંમતનો પુરો ફાયદો ગ્રાહકોને નથી મળી રહ્યો.

(10:17 am IST)