Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ચીનનો દાવોઃ જાપાનમાં બનેલી ફલુની દવાથી કોરોનાનો ઈલાજ

જાપાનમાં ફયુજીફિલ્મની દવા 'ફેવીપીરાવીર'થી દર્દીઓ સાજા થયા છેઃ વુહાન અને શેનઝેનમાં ૩૪૦ દર્દીઓમા ઉત્સાહજનક પરિણામ જોવા મળ્યા : ચીનના દાવા બાદ જાપાનની દવા કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યોઃ જાપાનમાં આ દવા ફલુના ઈલાજમાં કામમા લેવામાં આવે છે

નવી દિલ્હી, તા. ૧૯ :. વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલા કોરોના વાયરસે અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ લીધા છે અને ૨ લાખથી વધુ લોકો બિમાર પડી ગયા છે ત્યારે ચીને એવો ધડાકો કર્યો છે કે ઈન્ફલુએન્ઝાના ઈલાજ માટે જાપાનમાં ઉપયોગમાં લેવાતી એક દવા કોરોના વાયરસના દર્દીઓ પર અસરકારક સાબિત થઈ છે. ચીનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના એક અધિકારી ઝાંગ સીનમીને કહ્યુ છે કે ફુજી ફિલ્મની એક સહાયક કંપની દ્વારા વિકસીત 'ફેવીપીરાવીર' નામની આ દવાના વુહાન અને શેનઝેનમા ૩૪૦ દર્દીઓમાં આ દવાના ટેસ્ટના ઉત્સાહજનક પરિણામો જોવા મળ્યા છે.

ઝાંગે જણાવ્યુ છે કે આ દવા ઉચ્ચ કક્ષાની સુરક્ષા છે અને ઉપચારમાં સ્પષ્ટ રૂપથી અસરકારક છે. સાર્વજનિક પ્રસારક એનએચકેના કહેવા મુજબ જે દર્દીઓને શેનઝેનમાં દવા આપવામાં આવી હતી તેઓ પોઝીટીવ થયાના ૪ દિવસ બાદ વાયરસના પ્રભાવથી નેગેટીવ થઈ ગયા હતા. જ્યારે આ દવાનો ડોઝ જે દર્દીઓને નહોતો અપાયો તેમને ઠીક થવામાં ૧૧ દિવસનો સમય લાગ્યો હતો. આ સિવાય એકસ-રે એ લગભગ ૯૧ ટકા દર્દીઓમાં ફેફસાની સ્થિતિમાં સુધારાની પુષ્ટી કરી હતી. કે જેનો ફેવીપીરાવીરથી ઈલાજ કરવામાં આવ્યો હતો.

ઝાંગની ટીપ્પણીઓ બાદ આ કંપનીના શેરના ભાવમાં ૧૪.૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો. કંપનીના શેર ૫૨૦૭ યેન પર બંધ રહ્યો હતો. જે ૫૨૩૮ લેન પર પહોંચ્યો હતો. પરંતુ જાપાની સ્વાસ્થ્યના સ્ત્રોતે જણાવ્યુ છે કે દવા વધુ ગંભીર લક્ષણવાળા લોકોમાં અસરકારક છે. અમે એવીગનને ૭૦થી ૮૦ લોકોને આપી છે પરંતુ તે એ સ્થિતિમાં સારૂ કામ નથી કરી શકતી જ્યારે વાયરસ પહેલાથી બમણા થઈ ગયા હોય. જાપાનમાં આ દવાનો ઉપયોગ સામાન્ય ફલુના ઈલાજ માટે કરતા હોય છે. ચીનના કહેવા મુજબ પાકા પુરાવા મળ્યા છે કે આ દવા કોરોનાના ઈલાજમાં અસરકારક સાબિત થઈ છે. એવી આશા છે કે આ દવા રોગીઓમાં વાયરસ વધારતા અટકાવી શકશે.

(10:15 am IST)