Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ક્રૂડ ૧૮ વર્ષના તળીયેઃ ૧ લીટરના રૂ.૧૦.૫૧: પેટ્રોલ-ડીઝલમાં રાહત કયારે ?

કોરોનાના કહેરના કારણે ક્રૂડનું બજાર તૂટી ગયું: ભાવ ૧૮ વર્ષના તળીયેઃ ૧ બેરલનો ભાવ રૂ. ૧૬૭૨ થયોઃ ૧ બેરલમાં ૧૫૯ લીટર ક્રૂડ હોય છે : આગામી દિવસોમાં પણ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો થવાનો છે હવે મોદી સરકારે ભાવ ઘટાડવા જ રહ્યાઃ પ્રજા પણ ઈચ્છે છે કે મોટો ભાવ ઘટાડો આવે

નવી દિલ્હી, તા. ૧૯ :. કોરોનાના કહેરથી ક્રૂડનુ બજાર તૂટી ગયુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૧૮ વર્ષના તળીયે પહોંચી ગયો છે. જ્યારે ભારતીય વાયદા બજારમાં ક્રૂડનો ભાવ ૧૬૭૨ રૂ. પ્રતિ બેરલ એટલે કે રૂ. ૧૦.૫૧ પ્રતિ લીટર સુધી થઈ ગયો છે. જેના કારણે લોકોને આશા જાગી છે કે આવતા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થશે.

મલ્ટી કોમોડીટી એકસચેન્જ પર ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે ક્રૂડના માર્ચ કોન્ટ્રાકટમાં ગત સત્રથી ૪૦૦ રૂ. એટલે ૧૯૦.૯૦ ટકાના ઘટાડા સાથે ૧૬૯૫ રૂ. પ્રતિ બેરલ પર ભાવ ચાલી રહ્યો હતો. એક બેરલમાં ૧૫૯ લીટર ક્રૂડ હોય છે. આ પ્રકારે ૧ લીટર ક્રૂડનો ભાવ દેશમાં રૂ. ૧૦.૫૧ થયો છે.

બ્રીન્ટ ક્રૂડના મે ના કોન્ટ્રાકટમાં પાછલા સત્રથી ૩.૨૧ ડોલર એટલે કે ૧૧.૧૭ ટકાના ઘટાડા સાથે ૨૫.૫૨ ડોલર પ્રતિ બેરલ પર ભાવ સ્થિર થયો હતો. જ્યારે આ પહેલા બ્રિન્ટનો ભાવ ૨૫.૩૩ ડોલર પ્રતિ બેરલ સુધી ઘટયો હતો જે ૨૦૦૩ બાદનુ સૌથી નીચલુ સ્તર છે.

નાઈમેકસ પર ભાવ ૪.૪૭ ડોલર ઘટી ૨૨.૮૬ ડોલર થયો હતો. બજારના જાણકારોના કહેવા મુજબ કોરોનાને કારણે ક્રૂડની માંગ ઘટવાથી ઓઈલ બજારમાં ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.

સરકાર પ્રજાને કયારે રાહત આપે છે તે જોવાનુ રહ્યું. એક અહેવાલ મુજબ પેટ્રોલના ભાવ ૧૦ રૂ. થી ૨૦ રૂ. જેટલા ઘટી શકે છે જો સરકારનો ઈરાદો હોય તો.

(10:14 am IST)