Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

આજે મોદી કોરોના વાઇરસને લઇને દેશને સંબોધશે

૩૧મી માર્ચ સુધી દેશની બધી જ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો ઇન્સ્ટિટયૂટમાં કોઇ જ પરીક્ષા લેવામાં નહીં આવે

નવી દિલ્હી, તા.૧૯: દેશમાં હાલ કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધી રહી છે, હવે સૈન્યના જવાનને પણ કોરોનાનો ચેર લાગી ગયો છે. આ સ્થિતિ વચ્ચે પીએમઓ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુરુવારે રાત્રે આઠ કલાકે દેશને સંબોધશે. કોરોના વાઇરસની સ્થિતિ અંગે તેઓ જાણકારી આપશે.

બીજી તરફ માનવ સંસાધન અને શિક્ષણ મંત્રાલયે એક આદેશ જારી કરીને સીબીએસઇને કહ્યું છે કે ૩૧મી માર્ચ સુધી દેશની બધી જ શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો ઇન્સ્ટિટયૂટમાં કોઇ જ પરીક્ષા લેવામાં નહીં આવે.

એચઆરડી સચિવ અમિત ખારેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું શિક્ષણ મહત્વનું છે જ પણ તેની સાથે સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્વાસ્થ્ય પણ એટલુ જ મહત્વનંુ છે. હાલ જે પણ પરિક્ષાઓ ચાલી રહી છે તે અને આવનારા દિવસોમાં જે પણ પરિક્ષાઓ યોજાવાની છે તે તમામને ૩૧મી માર્ચ સુધી રદ કરી દેવામાં આવે છે. હાલ ધોરણ ૧૦ અને ૧૨મી બોર્ડની પરીક્ષાને પણ રદ કરી દેવામાં આવી છે.

જોકે યોજાનારી આ પરીક્ષાઓ કાયમ માટે રદ નથી કરાઇ, ૩૧મી માર્ચ પછી પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા મંત્રાલયે કરી હતી. કોરોના વાઇરસ એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં સંપર્કમાં આવે તો ઝડપથી ફેલાય છે, હાલ દેશમાં અનેક લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

વિદ્યાર્થીઓ તેનાથી દુર રહે તે માટે એકઠા ન થાય તે હેતુથી પરીક્ષાઓને હાલ પુરતા ૩૧મી માર્ચ સુધી રદ કરવામાં આવી છે.

(10:28 am IST)