Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ગાંધી પરિવાર માટે ચૂંટણી એક પિકનીક છેઃ ઉતરપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાનનું વિવાદિત નિવેદન

પ્રિયંકા ગાંધીની ૧૦૦ કિમીની ગંગા યાત્રા પર ચાબખા

લખનોૈ તા.૧૯: ગંગા નદીમાં બોટ દ્વારા ૧૦૦ કિલોમીટરની કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાની ત્રણ દિવસની યાત્રાને ઉતારી પાડતા સિનિયર ભાજપા નેતા અને ઉતર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ પીટીઆઇને કહ્યું કે ગાંધી પરિવાર માટે દરેક ચૂંટણી એક પિકનીક સમાન છે. તેઓ આવે છે, જુએ છે અને મોટા મોટા ભાષણો આપે છે. જેવી ચૂંટણીઓ પતે એટલે સ્વીત્ઝલેન્ડ અથવા ઇટલી બાજુ મોઢું ફેરવે છે.

તેમણે ઉમેરતા કહ્યું કે જેવી નવી ચૂંટણી જાહેર થાય એટલે પરિવારની એક નવી વ્યકિતને ઉતારવામાં આવે છે અને તેની પાસેથી જાદુની આશા રાખવામાં આવે છે. આ પહેલાની ચૂંટણીમાં પણ આદરણિય પ્રિયંકાજીએ પ્રચાર કર્યો હતો, તેમના પ્રચાર છતાં પણ કોંગ્રેસે મોટી પછડાટ ખાવી પડી હતી.

પૂર્વ ઉતરપ્રદેશના ઇન્ચાર્જ કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકાએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ નજીક આવેલા લેટે હનુમાન મંદિરમાં પ્રાર્થના કરીને પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત સોમવારે કરી હતી.

પોતાના પ્રવાસ દરમ્યાન પ્રિયંકા અલ્હાબાદથી નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસી સુધીનું ૧૦૦ કિમીનું અંતર બોટ દ્વારા કાપશે જે દરમ્યાન જીતની આશાએ તે એક મંદિરથી બીજા મંદિરે દર્શનો કરશે.

(11:33 am IST)