Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

એક વ્યક્તિને જેલ અને બીજી વ્યક્તિને બેલ થઇ છે : રઘુવંશ

નરેન્દ્ર મોદીની આમા વિશેષ રમત રહી છે :મોદી-નીતિશકુમાર તમામ રમત રમી રહ્યા છે : જગન્નાથ મિશ્રાને મુક્ત કરી દેવાયા : ચુકાદાનું જેડીયુ દ્વારા સ્વાગત

રાંચી, તા. ૧૯ : લાલૂ યાદવને ચારા કૌભાંડના ચોથા મામલામાં અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદ આરજેડીના નેતા રઘુવંશપ્રસાદ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, મોદી અને નીતિશકુમારનો મેળ ખુબ જ જોરદાર દેખાઈ રહ્યો છે. અજબ રમત આ બંને રમી રહ્યા છે. ફરીથી ખેલ થઇ રહ્યો છે. જગન્નાથ મિશ્રાને મુક્ત કરાયા છે અને લાલૂને જેલની સજા કરાઈ છે. એક વ્યક્તિને જેલ અને બીજી વ્યક્તિને બેઇલ તે નરેન્દ્ર મોદીની રમત છે. બીજી બાજુ ઘાસચારા કૌભાંડ કેસમાં ચુકાદો આવ્યા બાદ બિહારમાં રાજકીય પક્ષોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે. જેડીયુએ આ ચુકાદાનું સ્વાગત કર્યું છે. જેડીયુના વરિષ્ઠ નેતાએ કોર્ટના ચુકાદા ઉપર ખુશી વ્યક્ત કરી છે. જેડીયુના લોકોએ કહ્યું છે કે, અમે ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. આ ચુકાદો બિહારની રાજનીતિમાં એક ઐતિહાસિક નિર્ણય સાબિત થશે. લાલૂના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કહ્યું હતું કે, એક પ્રકરણનો હવે અંત આવી ગયો છે. બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રવક્તાનું કહેવું છે કે, આ ચુકાદો દાખલારુપ છે. આ ચુકાદાથી દેશમાં એવો સંદેશો જશે કે કોઇ પણ વ્યક્તિ કેટલી પણ મોટી કેમ ન હોય. કાયદા કાયદાની રીતે કામ કરશે. ભ્રષ્ટાચારમાં જે લોકો પણ સામેલ છે તેને સજા થવી જોઇએ. સમાજમાં આના કારણે એક મજબૂત સંદેશો જશે. અન્ય પાર્ટીઓએ પણ પોતપોતાનીરીતે પ્રતિક્રિયાઓ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાલૂ યાદવ સામે ઘાસચારા કૌભાંડના અનેક કેસો ચાલી રહ્યા છે. છ કેસો પૈકી ચારમાં લાલૂને સજા કરવામાં આવી ચુકી છે. હજુ પણ તેમની સામે એક કેસ પેન્ડિંગ રહેલો છે જેમાં ૧૩૭ કરોડ રૂપિયાની ઉચાપતનો મામલો રહેલો છે. લાલૂ યાદવને એક પછી એક ફટકો કોર્ટ તરફથી પડી રહ્યો છે. આરજેડીના પ્રવક્તા શક્તિ યાદવે કહ્યું છેકે, પાર્ટી હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકાર ફેંકશે. ચુકાદો આવ્યા બાદ આરજેડીના નેતાઓ અને કાર્યકરો સરક્યુલર રોડની બહાર રાબડી દેવીના આવાસ પર એકત્રિત થયા હતા.

મોટાભાગના નેતાઓએ કહ્યું હતું કે, રાજકીય દ્વેષભાવાના કારણે લાલૂને સજા પડી રહી છે. લાલૂ યાદવને દોષિત જાહેર કરાયા છે જ્યારે આજ કેસમાં મિશ્રા છુટી ગયા છે. લાલૂના પુત્રી અને પુત્ર નિરાશ દેખાયા હતા. રાબડી દેવીએ કહ્યું હતું કે, લાલૂ નિર્દોષ છુટશે તેવી અપેક્ષા હતી પરંતુ નિરાશા હાથ લાગી છે. જો કે, અમે કોર્ટનું સન્માન કરીએ છીએ.કોર્ટમાં તર્કદાર દલીલો આજે કરવામાં આવી હતી. લાલૂ સામે હજુ એક કેસ ડોરન્ડા તિજોરીમાંથી ૧૩૯ કરોડની ઉચાપત સાથે સંબંધિત છે જે પેન્ડિંગ છે.

(7:34 pm IST)