Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

રાજા અને કાનીમોઝીને નિર્દોષ ઠેરવવાને ઇડીએ પડકાર ફેંક્યો

દિલ્હી હાઈકોર્ટમાં ઇડી તરફથી રજૂઆત કરાઈ :૩૦૦૦૦ કરોડના ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કેસમાં તમામ ચાવીરુપ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા હતા

નવીદિલ્હી, તા. ૧૯ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે  પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજા, ડીએમકેના સાંસદ કાનીમોઝી અને અન્યો સામે દિલ્હી હાઈકોર્ટમાં તેમને નિર્દોષ છોડી મુકવાના ચુકાદા સામે અપીલ કરી હતી. ટુજી સ્પેક્ટ્રમ કેસમાં રાજા, કાનીમોઝી, અન્યોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. ગયા ડિસેમ્બર મહિનામાં ખાસ સીબીઆઈ કોર્ટે ૩૦૦૦૦ કરોડના ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ કેસમાં તમામ આરોપીઓને છોડી મુકવામાં આવ્યા હતા. ખાસ સીબીઆઈ જજ ઓપી સૈનીએ ૧૯ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા જેમાં રાજા અને કાનીમોઝીનો સમાવેશ થાય છે. પુરાવાના અભાવે તમામને છોડી મુકવામાં આવ્યા હતા. ચુકાદો આવ્યા બાદ ઇડીએ તરત જ ખાસ કોર્ટના ચુકાદાને પડકાર ફેંકવાનો ઇરાદો જાહેર કર્યો હતો. ઇડીના અધિકારીઓએ કહ્યું હતું કે તપાસ સંસ્થા ચુકાદામાં અભ્યાસ કરશે અને તેમના પુરાવા અને તપાસ સાતે હાઈકોર્ટમાં રજૂઆત કરશે. આ કેસમાં અન્ય જે લોકો છોડી મુકવામાં આવ્યા હતા તેમાં પૂર્વ ટેલિકોમ સચિવ સિદ્ધાર્થ બેહુરા, રાજાના એ વખતના પ્રાઈવેટ સેક્રેટરી આરકે ચંડોલિયા, સ્વાન ટેલિકોમના પ્રમોટર શાહીદ ઉસ્માન બલવા, વિનોદ ગોયેન્કા, યુનિટેક લિમિટેડના એમડી સંજય ચંદ્ર અને ત્રણ ટોપના કારોબારીઓને છોડી મુકવામાં આવ્યા હતા જેમાં રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ગૌત્તમ દોશી, સુરેન્દ્ર પીપારા અને હરિ નાયકનો સમાવેશ થાય છે. ટુડી કેસમાં વર્ષ ૨૦૧૦માં ભારે હોબાળો મચી ગયો હતો. તે વખતે કેગે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, સરકારી તિજોરીને ૧.૭૬ લાખ કરોડનું નુકસાન થયું છે. ઘણા અખબારોએ તે વખતે હેડલાઈનની જગ્યા ઓછી હોવાથી ૧૭૬૦૦૦૦૦૦૦૦૦ના આંકડાનો ઉલ્લેખ કર્યો હતો. સીબીઆઈ દ્વારા જે ચાર્જશીટ દાખલ કરાઈ હતી તેમાં નુકસાનને ૩૦૦૦૦ કરોડ દર્શાવવામાં આવ્યો હતો. હાલમાં જ ૧૨મી માર્ચના દિવસે સુપ્રીમ કોર્ટે ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કેસમાં તપાસને પરિપૂર્ણ કરવા સીબીઆઈ અને ઇડીને આદેશ કર્યો છે. છ મહિનાની અંદર આ કેસ અને સંબંધિત મામલામાં તપાસ પૂર્ણ કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. જસ્ટિસ અરુણ મિશ્રા અને નવીન સિંહાની બનેલી બેંચે ટુજી સ્પેક્ટ્રમ કેસમાં તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કેન્દ્ર સરકારને આદેશ આપી દીધો હતો. ટુજી સ્પેક્ટ્રમ કેસ અને તેની સાથે સંબંધિત બાબતોમાં તપાસ કરવા કહેવામાં આવ્યું હતું. એરસેલ-મેક્સિસ સોદાબાજી કેસ સહિતની બાબતોમાં તપાસ કરવા કહેવામાં આવ્યું હતું. બેંચે ઠેરવ્યું હતું કે, તપાસ લાંબા સમયથી ચાલી રહી છે. દેશના લોકોને આના જેવા સંવેદનશીલ મામલામાં લાંબા સમય સુધી અંધારામાં રાખી શકાય નહીં. આ મામલો દેશ માટે પણ ખુબ ગંભીર છે. લોકો તપાસ પૂર્ણ કેમ થઇ રહી નથી તે જાણવા માંગે છે. અમે આ કેસને લઇને ચિંતિત છે.

(7:29 pm IST)