Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ધોની પાસેથી ઘણું શીખવાનું મળ્યું, વિરાટ કોહલી આક્રમક ઇનીંગ્સ માટે જાણીતોઃ ટીમ ઇન્ડિયાને જીત અપાવનાર દિનેશ કાર્તિકે ટીમના ખેલાડીઓના વખાણ કર્યાં

કોલંબોઃ ગઇકાલે ભારતીય ક્રિકેટ ટીમને વિજય અપાવવામાં મહત્‍વનું યોગદાન આપનાર ક્રિકેટર દિનેશ કાર્તિકે મહેન્‍દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોના વખાણ કરીને ટીમના વિજય બાદ ખુશી વ્‍યક્ત કરી હતી.

ફક્ત આઠ બોલમાં ૨૯ રન ફટકારી ટીમ ઇન્ડિયાને જીત અપાવનારા વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે મેચ બાદ કહ્યું કે, "હું આજે જ્યાં છું, ખુશ છું." તેણે સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો હતો કે જેઓ પાછલા કેટલાક મહિનાથી તેને સતત મદદ કરી રહ્યા છે.

કાર્તિકને જ્યારે પૂછવામાં આવ્યું કે આ ફિનિશરની ભૂમિકા નિભાવવાની પ્રેરણા તેને ક્યાંથી મળે છે? ત્યારે કાર્તિકે કહ્યું, "મહેન્દ્રસિંહ ધોનીનો કુલ નેચર મને પસંદ છે. તે જે રીતે ગેમને ફિનિશ કરે છે, તેમાંથી ઘણું શીખવા મળે છે. અનુભવમાંથી પણ ઘણું શીખવા મળે છે." તેણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ લીધું હતું, જે આક્રમક ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેચ પૂરી થયા બાદ જણાવ્યું કે, "આ શાનદાર ગેમ હતી. અમને લાગી રહ્યું હતું કે શ્રીલંકામાં રમવાને કારણે પ્રેક્ષકોનું સમર્થન નહીં મળે, પરંતુ એવું બન્યું નહીં. દર્શકો તરફથી મળેલા સમર્થન માટે તેમનો આભાર. હું જાણતાે હતાે કે અમારા યુવા ખેલાડીઓમાં પ્રતિભા છે.

ટૂર્નામેન્ટથી તેઓને બહુ જ આત્મવિશ્વાસ મળશે. રણનીતિની વાત કરવામાં આવે તો તે અંગે બહુ જ કામ કરવામાં આવ્યું હતું. હું ખેલાડીઓને વારંવાર યાદ અપાવતો રહ્યો. મને લાગે છે કે તેઓએ પોતાની રણનીતિ સારી રીતે કાર્યાન્વિત કરી. દિનેશ કાર્તિકની ઇનિંગ્સ જોઈને હું બહુ જ ખુશ છું. તેને બધુ રમવાની તક નથી મળી, પરંતુ તેણે શાનદાર પ્રદર્શન કર્યું."

જ્યારે બાંગ્લાદેશી ટીમના કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું, "કોઈ પણ મેચ જીતી શકે તેમ હતું, પરંતુ ટીમ ઇન્ડિયાએ અંતિમ ઓવરોમાં સારું પ્રદર્શન કર્યું. અમે ૧૮મી અને ૧૯મી ઓવરમાં સારી બોલિંગ કરવા ઇચ્છતા હતા, પરંતુ રુબેલે ૧૫ રન આપી દીધા, પરંતુ તેનો સંપૂર્ણ શ્રેય દિનેશ કાર્તિકને જાય છે, જેણે અમારી બોલિંગને તહસ-નહસ કરી નાખી. અમે જાણતા હતા કે ૧૬૬ રનનો બચાવ કરવો આસાન નથી."

(7:21 pm IST)