Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

હિંદુ મહાસભાએ પોતાના કેલેન્ડરમાં તાજમહેલને કહ્યો તેજો મહાલયઃ વિવાદના એંધાણ

કેલેન્ડરમાં તાજમહેલ સહિત ૭ મસ્જિદો અને મુગલકાળના ફોટાઓનો સમાવેશઃ તમામ મુગલકાળના સ્મારકોને મંદિર કહ્યા છે

નવી દિલ્હીઃ હિંદુ મહાસભાના અલીગઢ યુનિટે રવિવારે હિંદુ નવવર્ષનું એક વિવાદિત કેલેન્ડર બહાર પાડ્યું છે. આ કેલેન્ડરમાં તાજમહેલ સહિત ૭ મસ્જિદો અને મુગલકાળના ફોટાઓ સમાવવામાં આવ્યા છે અને તે તમામ મુગલકાળના સ્મારકોને મંદિર જણાવવામાં આવ્યા છે. હિંદુ નવવર્ષના આ કેલેન્ડરમાં આગ્રાના તાજમહેલને તેજો મહાલય મંદિર કહ્યું છે. જયારે મક્કાને મક્કેશ્વર મહાદેવ મંદિર જણાવવામાં આવ્યું છે. કેલેન્ડરમાં કુતુબ મિનારને વિષ્ણુસ્તંભ, જોનપુરની અટાલા મસ્જિદને અટલાદેવી મંદિર અને અયોધ્યામાં વિધ્વંસ બાબરી મસ્જિદને રામ જન્મભૂમિ દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, મક્કાને મક્કેશ્વર મહાદેવ મંદિર જણાવવામાં આવ્યું છે.  મધ્યપ્રદેશના કમલ મૌલા મસ્જિદની ભોજનશાળા અને કાશીની જ્ઞાનવ્યાપી મસ્જિદને વિશ્વનાથ મંદિર જણાવવામાં આવ્યું છે.  હિંદુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ પૂજા શકુન પાંડેયે જણાવ્યું કે હિંદુ નવવર્ષનું સ્વાગત તેઓએ હવનની સાથે કર્યું છે. આ પ્રસંગે હિંદુ નવવર્ષનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને માંગ કરી છે કે દેશને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે. પૂજાએ કહ્યું કે વિદેશી આક્રમણકારીઓએ દેશના હિંદુ ધર્મસ્થળોને લૂંટ્યા અને હિંદુઓના ધાર્મિક સ્થળોના નામ બદલીને તેમને મસ્જિદ બનાવી દીધી. હવે તેઓ ઇચ્છે છે કે હિંદુઓના ધાર્મિક સ્થળો તેમને પાછા આપી દેવામાં આવે. જો મુસ્લિમો મોટું મન બતાવશે તો અમે લોકો પાછા મળેલા ધાર્મિક સ્થળોના નામ ફરીથી વાસ્તવિક નામો પર કરી દઇશું. તે ધાર્મિક સ્થળોના વાસ્તવિક નામો કેલેન્ડરમાં આપેલા છે.

(4:37 pm IST)