Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઘાસચારા કૌભાંડ

ચોથા કેસમાં લાલુ દોષિત જાહેર

સતત ચોથા કેસમાં લાલુ આરોપીઃ સજાનું એલાન ૨૧ - ૨૨ - ૨૩ માર્ચેઃ રોજ ૬-૬ આરોપીઓને સજા સંભળાવાશેઃ લાલુની સજાનું એલાન ૨૨ માર્ચે : પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા સહિત ૧૨ નિર્દોષ જાહેરઃ સીબીઆઇની વિશેષ કોર્ટે આપ્યો ચુકાદો

રાંચી ૅતા. ૧૯ : ઝારખંડની રાંચી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં પણ દોષિત સાબિત થયા છે. રાંચીની વિશેષ સીબીઆઇ કોર્ટે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે. આ પ્રકારે અત્યાર સુધીમાં ઘાસચારા કૌભાંડના ૬થી ૪ કેસમાં લાલુ દોષિત સાબિત થઇ ચૂકયા છે. દુમકા ટ્રેઝરી મામલે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ સાબિત કરાયા છે. તેઓની સાથે મહેન્દ્રસિંહ બેદી, અધિપચંદ, ધ્રુવ ભગત અને આનંદકુમાર પણ નિર્દોષ સાબિત થયા છે.

સીબીઆઇના વકીલે જણાવ્યું કે, અન્ય ૧૨ લોકો નિર્દોષ સાબિત થયા છે. જ્યારે લાલુ સહિત ૧૯ આરોપીઓ દોષિત જાહેર થયા છે. જોકે સજાનું એલાન થયું નથી. કોર્ટે કહ્યું છે કે, ૨૧, ૨૨, ૨૩ માર્ચે ત્રણ સજા પર નિર્ણય થશે. દરરોજ ૬-૬ આરોપીઓને સજા સંભળાવાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ૨૨ માર્ચે લાલુ પ્રસાદની સજા પર એલાન થશે.

લાલુ યાદવ હાલમાં બીમાર છે અને તેઓને રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચુકાદા વખતે લાલુ કોર્ટમાં હાજર હતા. અગાઉ શનિવારે ઘાસચારા કૌભાંડના ચોથા કેસનો નિર્ણય આવવાનો હતો પરંતુ તે ટળ્યો હતો. આ કેસ દુમકા તિજોરીમાંથી ગેરકાયદે પૈસા ઉપાડવા સાથે જોડાયેલ છે. દુમકા તિજોરીમાંથી ૩.૭૬ કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાને લઇ સીબીઆઈએ ૧૯૯૬માં એફઆઇઆર નોંધી હતી. આ રકમ ૧૯૯૫થી ૧૯૯૬ની વચ્ચે ઉપાડી હતી. કેસની તપાસ બાદ સીબીઆઈએ ૧૧ એપ્રિલ ૧૯૯૬ના રોજ રિપોર્ટ નોંધાવ્યો હતો. ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદની વિરૂદ્ઘ પાંચ કેસ સીબીઆઇએ નોંધ્યા છે.

અગાઉ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કૌભાંડના પ્રથમ કેસ દેવધર ટ્રેઝરી મામલે સીબીઆઇની વિશેષ કોર્ટે આરજેડી સુપ્રીમોને સાડાત્રણ વર્ષની જેલ અને પાંચ લાખના દંડની સજા સંભળાવી હતી. ત્યારબાદ ત્રીજા કેસમાં લાલુ યાદવ અને જગન્નાથ મિશ્રાને ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ચાઇબાસા ટ્રેઝરી ગબનના કેસમાં સીબીઆઇની કોર્ટે પાંચ-પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. કોર્ટે લાલુ પર ૧૦ લાખ અને જગન્નાથ મિશ્રા પર પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.

(4:05 pm IST)