Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

કાર્યકર્તાઓ જ અસલી શક્તિ અને દેશના પરિવર્તનના વાહક : રાહુલ ગાંધીએ અધિવેશનમાં 'ખાલી' સ્ટેજનું રહસ્યોદ્ધાટન કર્યું

સોનિયા ગાંધી, મનમોહનસિંહ સહીતના દિગ્ગજ નેતાઓને સ્ટેજની સામે પહેલી હરોળમાં બેઠેલા જોઈને ખાલી સ્ટેજ મામલે ખાસી ચર્ચા જાગી હતી

નવી દિલ્હી :કોંગ્રેસના 84માં મહા અધિવેશનના સમાપન વેળાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકર્તાઓને અસલી શક્તિ ગણાવીને તેમને દેશમાં પરિવર્તનના વાહક ગણાવ્યા હતા રાહુલ ગાંધીએ દેશના પ્રતિભાશાળી યુવાનોને કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં લાવવાની વાત જણાવીને કોંગ્રેસ મહાઅધિવેશન દરમિયાન સ્ટેજ શા માટે ખાલી રાખવામાં આવ્યું. તેનું રહસ્યોદ્ધાટન કર્યું હતું 
    કોંગ્રેસના બે દિવસીય મહાઅધિવેશનમાં સ્ટેજ ખાલી રખાયું હતું તેમાં કોઈ નેતાને બેસાડવામાં આવ્યા ન હતા. સોનિયા ગાંધી, મનમોહનસિંહ સહીતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને સ્ટેજની સામે પહેલી હરોળમાં બેઠેલા જોઈને ખાલી સ્ટેજ મામલે ખાસી ચર્ચા જાગી હતી. રાહુલ ગાંધીએ સમાપન ભાષણમાં તેનું રહસ્યોદ્ધાટન કર્યું હતું તેમણે ટેલેન્ટેડ લોકોને સ્ટેજ આપવાની વાત જણાવીને સ્ટેજ આવા લોકોથી ભરવાની વાત જણાવી હતી 
   રાહુલ ગાંધીએ કોંગ્રેસની કાર્યપ્રણાલી અને કાર્યકર્તાઓ પર વાત કરતા તેને દેશનું એકમાત્ર હાથવાળું સંગઠન ગણાવ્યું છે. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના સંગઠનને બદલવાની વાત પણ મહાધિવેશનના સમાપન ભાષણમાં જણાવી છે. તેમણે વરિષ્ઠ નેતાઓનો આદર જાળવીને આના સંદર્ભે આગળ વધવાની વાત પણ કરી છે.
  રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી માટે લોહી-પરસેવો પાડનારા કાર્યકર્તાઓને જ ટિકિટ આપવાની વાત જણાવીને પેરાશૂટથી ટિકિટ લઈને આવનારા નેતાઓનો જમાનો કોંગ્રેસમાં પુરો થયો હોવાનું પણ જણાવ્યું છે.
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતના યુવાનો માટે પાર્ટીનું સ્ટેજ ખાલી હોવાનું જણાવ્યું છે. તેમણે કોંગ્રેસને 70 વર્ષ પહેલા હતી તેવી ગાંધીજી, નહેરુ, આઝાદ જેવા તમામ ટેલેન્ટેડ લોકોની હતી તેવી કોંગ્રેસને આજે પણ જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાધિવેશનના સમાપન ભાષણમાં નવા યુગમાં કોંગ્રેસને પ્રવેશ કરાવવાનો સંકેત પણ આપ્યો છે.

 

(12:00 am IST)