Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ખેડૂતોને તમામ પાકના પડતર કરતા દોઢા ભાવ મળે તેવી ખાત્રી આપતા પીએમ

વધુને વધુ તેલીબીયાનું વાવેતર કરવા નરેન્‍દ્રભાઈએ સલાહ આપી

રાજકોટ : ખેડૂતોને તેના તમામ પાકોના ઉત્‍પાદન પડતરના દોઢ ગણા ભાવ મળે અને ખેડૂતોની આવકમાં વધારો થાય એ માટે કેન્‍દ્ર સરકાર તમામ રાજયો સાથે વાતચીત કરી રહી છે અને ખેડૂતોને પૂરતા ભાવ મળશે તેની ખાતરી આપીએ છીએ તેમ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ આજે નવી દિલ્‍હી ખાતે કૃષિ ઉન્‍નત મેળામાં બોલતા જણાવ્‍યુ હતું.વડાપ્રધાને કહ્યુ હતું કે મિનીમમ સપોર્ટ પ્રાઈઝને લઈને લોકો અનેક અફવાઓ ફેલાવી રહ્યા છે. પરંતુ ખરાબ વાતાવરણ ઉભુ કરી રહ્યા છે. પરંતુ ટેકાના ભાવમાં તમામ પ્રકારના ફિકસ ખર્ચને ઉમેરવામાં આવ્‍યુ અને આ નિર્ણય ખેડૂતોની ૨૦૨૨ સુધીમાં બમણી આવક કરવામાં મદદ કરશે.વડાપ્રધાને ખેડૂતોને વધુને વધુ તેલીબીયાનું વાવેતર કરવાની સલાહ આપી છે. જેથી ખાદ્યતેલની આયાત નિર્ભરતામાં ઘટાડો જોવા મળશે. ખેડૂતોને યુરીયા ખાતરનો વપરાશ ઘટાડવા પણ સલાહ આપી છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં ઓછામાં ઓછો વપરાશ ૫૦ ટકા ઘટે તે જરૂરી છે.

સરકાર ખેડૂતોને પૂરતી માત્રામાં વિજળી, બિયારણ અને પૂરતી માત્રામાં ભાવ મળી શકે એ માટે રાત દિવસ કામ કરી રહી છે અને ખેડૂતોને ખાતરી આપે છે કે તેમની જરૂરીયાત પૂર્ણ થઈ શકે.

(11:43 am IST)