Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

શાહીનબાગ પ્રદર્શનકારીઓ સાથેની વાતચીત ફ્લોપ રહી

સીએએને પરત લેવાની માંગ પર દેખાવકાર મક્કમ : સુપ્રિમ કોર્ટ દ્વારા નિમાયેલી ટીમના દેખાવકારોને સમજાવી દેવાના પ્રયાસ નિષ્ફળ : આજે ફરી વખત વાતચીત કરાશે

નવી દિલ્હી, તા.૧૯  : નાગરિક સુધારા કાનૂનની સામે દિલ્હીના શાહીનબાગમાં મુખ્ય માર્ગ પર ઘેરીને છેલ્લા બે મહિનાથી પ્રદર્શન કરી રહેલા દેખાવકારોને મનાવવાના પ્રયાસો આજે સફળ રહ્યા ન હતા. શાહીનબાગમાં રસ્તો ખોલાવવા માટે રસ્તા  પર નિકળેલી ટીમ નિષ્ફળ રહી હતી. સુપ્રિમ કોર્ટે મંત્રણાકારોની એક ટીમ બનાવી હતી જે આજે પ્રદર્શનકારીઓને સમજાવવા માટે પહોંચી હતી પરંતુ પ્રદર્શનકારીઓ હજુ પણ અડેલા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી નાગરિક સુધારા કાનૂનને પરત લેવામાં આવશે નહીં ત્યાં સુધી તેમનું આંદોલન જારી રહેશે. હવે આવતીકાલે પણ વાતચીતનો સીલસીલો જારી રહે તેવી શક્યા છે. આજે બે કલાક સુધી વાતચીત ચાલી હતી. હવે મંત્રણકારો આવતીકાલે ગુરૂવારના દિવસે ફરીવાર વાતચીત કરશે. સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા મંત્રણાકાર સાધના રામચંદ્રન અને સંજય હેગડે આજે શાહીનબાગમાં પ્રદર્શનકારીઓને મળવા પહોંચ્યા હતા.

           આ ગાળા દરમિયાન પ્રદર્શનકારીઓએ તેમની સામે પોતાની તકલીફો રજુ કરી હતી. પ્રદર્શનકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓએ માર્ગને માત્ર ૧૫૦ મીટર સુધી બંધ રાખ્યો છે. ખરેખર જામ તો દિલ્હી પોલીસે સર્જ્યો છે. પોલીસે માર્ગને ત્રણ તરફથી બંધ કરી દીધો છે. આ ગાળા દરમિયાન મંત્રણકારો પર દેખાવકારો તરફથી સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને પ્રશ્નોનો મારો ચલાવવામાં આવ્યો હતો. બંને મંત્રણાકારોએ દેખાવકારોને કહ્યું હતું કે તેઓ તમામ લોકોની વાત સાંભળવા માટે આવ્યા છે. સંજય હેગડેએ કહ્યું હતું કે સૌથી પહેલા તેઓ મોટી વયના લોકોના અભિપ્રાય સાંભળશે. ત્યારબાદ મોટી વયની મહિલાઓને સાંભળવામાં આવશે. તેમને કોઈપણ પ્રકારની ઉતાવળ નથી.

           તમામની વાત વિસ્તારથી સાંભળશે. શાહીનબાગમાં પ્રદર્શનકારીઓ વચ્ચે બે કલાક રહ્યા પછી પરત ફરેલા મંત્રણકારોએ કહ્યું હતું કે આજે માત્ર શરૂઆત થઈ છે. આજે માત્ર સમજવાના પ્રયાસ કરાયા છે. આવતીકાલે ફરી વાતચીત થશે. સાધના રામચંદ્રન અને સંજય હેગડે પરત ફર્યા બાદ ત્રીજા મંત્રણાકાર હબીબુલ્લા શાહીનબાગ પહોંચ્યા હતા. સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા મંત્રણાકારો નિઃસહાય દેખાયા હતા અને પ્રદર્શનકારીઓ પર તેમની કોઈ અસર દેખાઈ નહીં હોવાનું જાણવા મળ્યું છે. પ્રદર્શનકારીઓ સાથે વાતચીત સફળ રહે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે કારણ કે પ્રદર્શનકારીઓની દલીલ છે કે જ્યાં સુધી સીસીએને પરત લેવામાં આવશે નહીં ત્યાં સુધી અડધા ઈંચ સુધી પણ પીછેહટ કરશે નહીં. બંને મંત્રણાકારોએ વકીલોને પ્રદર્શનકારીઓના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટના આદેશને વાંચીને પણ સંભળાવ્યો હતો.

(7:52 pm IST)