Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

અરવિંદ કેજરીવાલ સરકાર ૪૦૦ નવા મોહલ્લા ક્લિનિક તૈયાર કરશે

એક કિલોમીટરની હદમાં પ્રાથમિક સુવિધા કેન્દ્ર : પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ નવા આયોજનો

નવી દિલ્હી, તા.૧૯ : દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સરકાર ઝડપથી આગળ વધવા માટે ઈચ્છુક છે. હાલમાં દિલ્હીના ૪૫૧ મોહલ્લા ક્લિનિક અને ૨૬ પોલિ ક્લિનિક ચાલી રહ્યા છે. ૧૫૦ મોહલ્લા ક્લિનિક આગામી એક બે મહિનામાં શરૂ થઈ જશે. આવી જ રીતે આગામી બે મહિનામાં ૬૦૦ મોહલ્લા ક્લિનિકનો ફાયદો પ્રજાને મળનાર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નવા મોહલ્લા ક્લિનિક બનાવવા માટે ટાઈમ લાઈન ફિક્સ કરવાના સંદર્ભમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે ૪૦૦ મોહલ્લા ક્લિનિક માટે જગ્યા નક્કી કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. આમાંથી ૨૦૦થી વધુ મોહલ્લા ક્લિનિક ભાડાની જગ્યા પર ઉભા કરવામાં આવનાર છે. જેના માટે ખૂબ અરજી આવી ચુકી છે.

               અરજીઓની ચકાસણી ચાલી રહી છે. લોકેશનમાં પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જ્ગ્યાને નક્કી કરાયા બાદ ૪૦૦ મોહલ્લા ક્લિનિક બનાવવા પર કામગીરી શરૂ થશે. સાથે સાથે ૧૦૦૦ મોહલ્લા ક્લિનિકના લક્ષ્યને પૂર્ણ કરવામાં આવશે. ૧૦૦૦ મોહલ્લા ક્લિનિક શરૂ થયા બાદ ક્ષેત્રની જરૂરિયાતોની દ્રષ્ટીથી નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા પર વિચારણા કરવામાં આવશે. સરકારના પ્રયાસ છે કે દરેક એક કિલોમીટરની હદમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ સામાન્ય લોકોને ઉપલબ્ધ થવી જોઈએ. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જંગી રકમ આમાં ફાળવવાની વાત કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે મોહલ્લા ક્લિનિકનો લાભ ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને મળી રહ્યો છે. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જળ બોર્ડનું કામ સોંપવામાં આવ્યું છે. દિલ્હીના ઘર ઘર સુધી ૨૪ કલાક સ્વચ્છ પાણી પહોંચાડવા માટે પણ કેજરીવાલનું આયોજન રહેલું છે. આ સંદર્ભમાં સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે દિલ્હી સરકારે પ્રજાને જે વચન આપ્યા છે તેને પૂર્ણ કરવામાં આવશે. જળ બોર્ડને પ્લાન તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

(7:49 pm IST)