Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

અમિત શાહ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે દિલ્હીના વિકાસ મુદ્દે વિસ્તૃત ચર્ચા

બંને નેતાઓ વચ્ચે ૨૦ મિનિટ સુધી વાતચીતને લઈને ચર્ચાઓ : શાહીનબાગના પ્રશ્ને કોઈપણ પ્રકારની ચર્ચા અમિત શાહની સાથે થઈ હોવાનો અરવિંદ કેજરીવાલનો ઈનકાર : દિલ્હીના વિકાસ માટે સાથે મળીને કામ કરવા સહમતિ

નવી દિલ્હી, ૧૯ : દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં પ્રચંડ જીત મેળવી લીધા બાદ મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા પછી આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહને તેમના આવાસ ઉપર કેજરીવાલ મળ્યા હતા. દિલ્હી વિધાનસભા ચુંટણી બાદ તેમની આ પ્રથમ મુલાકાત હતી જે આશરે ૨૦ મિનિટ સુધી ચાલી હતી. મિટીંગ બાદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે આ મુલાકાતમાં દિલ્હીના તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે તેઓ અમિત શાહને મળ્યા છે. આ વાતચીત ખૂબ ફળદાયી રહી છે. દિલ્હી સાથે જોડાયેલા મુદ્દાઓઉપર ચર્ચા થઈ છે. દિલ્હીના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. શાહીનબાગના મુદ્દા પર કોઈ વાતચીત થઈ હતી કે કેમ તે અંગે પૂછવામાં આવતા કેજરીવાલે કહ્યું હતું કે આ વિષય ઉપર કોઈપણ વાતચીત થઈ નથી.

              દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળેલો નથી. જેથી કાનૂન અને વ્યવસ્થા સહિત અનેક મહત્વના મુદ્દા પર જવાબદારી કેન્દ્ર સરકારની રહે છે. કેજરીવાલ સરકારની પ્રથમ અવધિ દરમ્યાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જુદા જુદા વિષય ઉપર ખેંચતાણ જારી રહી હતી. જોકે આ વખતે કેજરીવાલે સહયોગના રસ્તા ઉપર ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલમાં જ યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં અમિત શાહે જોરદાર આક્રમક પ્રચાર કર્યો હતો. શાહીનબાગ સહિત અનેક મુદ્દા પર કેજરીવાલ સરકારને ઘેરવાના પ્રયાસ કરાયા હતા. ચુંટણીમાં આમ આદમી પાર્ટીને ૭૦ વિધાનસભા સીટ પૈકી ૬૨ સીટો મળી હતી. જીતી લીધી ભાજપને આઠ સીટોથી સંતોષ માનવાની ફરજ પડી હતી.

 ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી હોવા છતાં આમ આદમી પાર્ટીની જીત દિલ્હીમાં થઈ હતી. અલબત્ત પાર્ટીની મત હિસ્સેદારીમાં ઘટાડો થયો હતો પરંતુ તેની સીટોમાં નજીવો ઘટાડો ૨૦૧૫ની સરખામણીમાં થયો હતો. ૨૦૨૦ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીની મત હિસ્સેદારી સાથે સાથે બેઠકોની સંખ્યા વધી છે પરંતુ જે રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો તે મુજબનું પરિણામ હાંસલ ન થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં હાલમાં નિરાશા પ્રવર્તી રહી છે.

(7:48 pm IST)