Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

પીઓકેમાં કેમ્પો આતંકીઓથી ભરેલા, ભારતીય સૈન્ય સફાયા માટે તૈયારઃ લેફ.જનરલ

નવી દિલ્હી, તા.૧૯: સૈન્યના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા વાળા પીઓકેમાં આવેલા લોંચ પેડ હાલ આતંકીઓથી ભરેલા છે. એટલે કે આ વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં આતંકીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. જોકે તેનો જવાબ આપવા માટે ભારતીય સૈન્ય પણ તૈયાર છે. આ જાણકારી લેફ્ટનન્ટ જનરલ કંવલ જીત સિંહ ધિલ્લોને આપી હતી.

ધિલ્લોને વધુમાં જણાવ્યું હતું કે પીઓકેમાં હાલ મોટા પ્રમાણમાં આતંકીઓ સક્રિય થઇ ગયા છે, જોકે પાકિસ્તાન આ આતંકીઓને ભારતમાં ઘુસાડવામાં સફળ નહીં થાય કેમ કે આક્રામક જવાબ આપવા માટે ભારતીય સૈન્ય પણ તૈયાર છે. હાલ કાશ્મીરમાં પીઓકે સરહદે ભારતીય સૈન્યની સંખ્યાને પણ વધારી દેવામાં આવી છે.

ધિલ્લોને જણાવ્યું હતું કે હાલ કાશ્મીરમાં શાંતિ જળવાઇ રહે તે દિશામાં સૈન્ય દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે, આ માટે સ્થાનિક નાગરિકો, સૈન્ય, પોલીસ, નિષ્ણાંતો દરેકની મદદ લેવામાં આવી રહી છે. સાથે સરહદે પાકિસ્તાન કેવા કેવા પ્રયાસો કરી રહ્યું છે તેની પણ જાણકારી તેમણે આપી હતી. રાજપુતાના રાઇફલ્સ સાથે જોડાયેલા ધિલ્લોને કહ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષથી પાકિસ્તાન આતંકીઓની મદદ કરી રહ્યું છે.

હાલ પાકિસ્તાન આતંકીઓને ઘુસાડવા માટે જ શસ્ત્ર વિરામનો ભંગ કરી રહ્યું છે. કેમ કે સરહદ પાર પાકિસ્તાનના લોંચપેડ અને કેમ્પો આતંકીઓથી ભરેલા છે. ભારતીય સૈન્ય પણ પાકિસ્તાની સૈન્ય અને પાક. આતંકીઓને આક્રામક જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન જેટલી વખત શસ્ત્ર વિરામનો ભંગ કરે છે તેનો એટલી જ વખત વધુ આકરો જવાબ આપવા માટે ભારતીય સૈન્ય તૈયાર છે.

(10:04 am IST)