Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

PNB કૌભાંડઃ CVC નો આદેશ, ૩ વર્ષથી વધુ જૂના અધિકારીઓની ટ્રાન્સફર કરો

નવી દિલ્હી- હીરા ઉદ્યોગના વેપારી નીરવ મોદીના PNB કૌભાંડ મામલામાં તપાસ એજન્સીઓએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જયાંથી કૌભાંડની શરુઆત કરવામાં આવી હતી તે મુંબઈની બ્રૈડી રોડ બ્રાંચ સીલ કરવામાં આવી છે. CBI એ બેન્કની બહાર નોટિસ લગાવી દીધી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ બ્રાંચને નીવર મોદી LOU મામલાને કારણે સીલ કરવામાં આવી છે. હવે આ બ્રાંચમાં કોઈ કામકાજ કરવામાં નહીં આવે એટલું જ નહીં PNBનો કોઈ પણ કર્મચારી બ્રાંચમાં પ્રવેશ કરી શકશે નહીં.સીવીસીનો કડક આદેશ

કેન્દ્રીય સતર્કતા આયોગે બધી બેન્કોને આદેશ આપ્યો છે કે, કોઈ પણ અધિકારીને ત્રણ વર્ષથી વધારે એક બ્રાંચમાં રાખવામાં આવે નહીં. આ ઉપરાંત સીવીસીનો આદેશ આપ્યો છે કે, કલાર્ક કક્ષાના જે કર્મચારીઓએ 5 વર્ષ પુરા કર્યા છે તેમની પણ તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં આવે. આ મામલે ED  PNBના અનેક અધિકારીઓ અને નીરવ મોદી-ગીતાંજલિ ગૃપના અનેક કર્મચારીઓને સમન જારી કર્યા છે. ED નીરવ મોદી અને ચોકસીની પ્રોપર્ટીઓ શોર્ટલિસ્ટ કરી છે. જેને હવે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ED આશંકા વ્યકત કરી છે કે, જે 11400 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે તમામ રુપિયા વિદેશ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને પકડવા CBI એ ઈન્ટરપોલની મદદ માગી છે. આ માટે વિશ્વના તમામ એરપોર્ટને પણ નોટિસ મોકલવામાં આવી છે. જેથી નીરવ મોદી કયાંય જવા ઈચ્છે તો પણ ભારતીય તપાસ એજન્સીઓને માહિતી મળી શકે.

(4:37 pm IST)