Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

અકસ્માતમાં ગુમાવ્યો પગ, એન્જિનિયરને મળ્યું રૂ. ૧.૪ કરોડ વળતર

આટલા મોટા પ્રમાણમાં વળતર મળ્યું હોય તેવો આ પહેલો કિસ્સો

થાણે તા. ૧૯ : થાણેના MACT (Motor accident Claims Tribunal) દ્વારા ૩૮ વર્ષીય સીવિલ એન્જિનિયરને ૧.૪ કરોડ રુપિયા વળતર આપાવની જાહેરાત કરી છે. ૨૦૧૫માં એક કન્ટેનર ટ્રક સાથેના એક રોડ અકસ્માતમાં એન્જિનિયરે ઘૂંટણની નીચેનો પગ ગુમાવ્યો હતો.

ઈન્શ્યોરન્સ કંપની, ન્યુ ઈન્ડિયા અને ટ્રકનો માલિક મળીને આ વળતરના પૈસા ચુકવશે. થાણેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાછલા થોડાક સમયમાં કોઈને આટલા મોટા પ્રમાણમાં વળતર મળ્યું હોય તેવો આ પહેલો કિસ્સો છે.

થાણેના ભિવંડીમાં રહેતા કિરણ એચ. પાટિલે વળતરની અરજી કરી હતી કારણકે અકસ્માતના કારણે તેમણે પગ ગુમાવ્યો અને તે સંપૂર્ણપણે ડિસેબલ બની ગયા છે. કિરણનો પક્ષ લેનારી લીગલ ટીમે જણાવ્યું કે, તે જયારે થાણેથી ભિવંડી તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે કન્ટેઈનર સામેથી ધસી આવ્યુ હતું અને તેના વ્હીલને કારણે કિરણના પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી.

અકસ્માતની ઘટના ૨ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ બની હતી. પાટીલે ટ્રિબ્યુનલને જણાવ્યું કે, તેમણે સર્જરી માટે ૪૦ લાખ જેટલો ખર્ચો કરવો પડ્યો હતો. તે સિવિલ એન્જિનિયર હતા અને એક બિલ્ડર સાથે કામ કરતા હતા. કિરણની સેલરી લગભગ ૩૩,૩૩૩ રુપિયા પ્રતિ માસ હતી. અકસ્માતને કારણે તેમણે કામ પણ ગુમાવ્યું.

કિરણની સારવાર કરી રહેલા ડોકટરે જણાવ્યું કે, અકસ્માતના કારણે પાટીલે પોતાનો એક પગ ગુમાવ્યો. આ સિવાય અન્ય ઈજાઓને કારણે તેમની કામ કરવાની ક્ષમતાને ઘણી અસર થઈ છે. તે ઉભા નથી રહી શકતા અને જાતે ચાલી શકતા નથી.

MACTના સભ્ય જજ કે.ડી.વડાણેની નોંધ અનુસાર, ફોટોગ્રાફ જોઈને અમે પૃષ્ટિ કરી છે કે ઈજા અત્યંત ગંભીર હતી અને અરજી કરનાર ચાલી પણ નથી શકતા અને બેસી પણ નથી શકતા. જયારે તેમને પુરાવા જમા કરાવવા માટે અહીં બોલાવવામાં આવ્યા હતા ત્યારે પણ એમ્બ્યુલન્સની મદદ લેવી પડી હતી. પછીથી તેમના માટે કોર્ટ કમિશનર નિયુકત કરવામાં આવ્યા હતા.(૨૧.૧૦)

(10:55 am IST)