Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

એજીઆર પગલા સહિતના અનેક પરિબળોની બજાર પર અસર થશે

દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરવામાં શ્રેણીબદ્ધ પરિબળોની ભૂમિકા : બજેટ, ફુગાવાના આંકડા, અન્ય માઈક્રો ડેટા તેમજ અન્ય શ્રેણીબદ્ધ પરિબળની ખાસ ભૂમિકા રહેશે : કમાણીના આંકડા ઉપર કોર્પોરેટ જગતની નજર કેન્દ્રિત

મુંબઈ, તા.૧૯ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં કેટલાક પરિબળોની ભૂમિકા નિર્ણાયક રહી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતિ એકબાજુ થઇ ચુકી છે તેની અસર જોવા મળશે. બીજી બાજુ કમાણીના આંકડા, બજેટને લઇને ચર્ચાઓ, એજીઆર પગલા સહિતના પરિબળની ભૂમિકા દલાલસ્ટ્રીટને મજબૂત કરવામાં રહી શકે છે. બજેટને લઇને કાઉન્ટડાઉનની શરૂઆત થઇ ચુકી છે. કમાણીના આંકડા પણ ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે જારી કરવામાં આવનાર છે. ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા આવતીકાલે તેમના આંકડા જારી કરવામાં આવનાર છે. ત્યારબાદ ૨૧મીએ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્ટ અને ઝી એન્ટરટેઇનમેન્ટના આંકડા જારી કરવામાં આવનાર છે. એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેંક, એલ એન્ડ ટી, મોતીલાલ ઓસ્વાલ, રેઇમન્ડ, આરબીએલ બેંકના આંકડા ૨૨મી  જાન્યુઆરીના દિવસે જારી કરાશે.

            કેનેરા બેંક, એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના આંકડા ૨૩મી જાન્યુઆરીના દિવસે જારી કરાશે. બેંક ઓફ બરોડા અને અલ્ટ્રાટેક સિમેન્ટના આંકડા ૨૪મી જાન્યુઆરીના દિવસે જારી કરાશે. આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા તેના આંકડા ૨૫મીએ જારી કરવામાં આવશે. આરઆઈએલ, ટીસીએસ અને અન્ય કંપનીઓ દ્વારા ગયા શુક્રવારે તેમના આંકડા જારી કર્યા હતા. એજીઆર મુદ્દાને લઇને પણ અસર રહી શકે છે. આર્થિક મોરચા ઉપર મૂડીરોકાણકારોની નજર કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ફુગાવાના ડેટા ઉપર રહેશે. આ આંકડા આવતીકાલે જારી કરવામાં આવનાર છે. ઉડ્ડયન સેક્ટર માટે પણ આશા દેખાઈ રહી છે. આગામી સપ્તાહમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ડિસેમ્બરના મહિના માટે તેમના પેસેન્જર ટ્રાફિકના આંકડા જારી કરવામાં આવનાર છે. વૈશ્વિક મોરચા પર કારોબારીઓ યુએસ રેટબુક પર નજર રાખી રહ્યા છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલની અસર રહેશે. અમેરિકામાં ૨૩મી જાન્યુઆરીના દિવસે બેરોજગારીના આંકડા જારી કરવામાં આવનાર છે. બજેટ આડે વધારે સમય રહ્યો નથી ત્યારે જુદા જુદા સેક્ટર માટે ચોક્કસ રુપરેખા તૈયાર થઇ રહી છે. આના ભાગરુપે જ આવતીકાલે કેબિનેટ સેક્રેટરી દ્વારા રોકાણ અને ગ્રોથને લઇને પાંચ વર્ષના વિઝન પર ચર્ચા કરવા બેઠક બોલાવી છે.

            કેબિનેટ સેક્રેટરી દ્વારા સચિવોની સેક્ટરલક્ષી કમિટિ પાસેથી અભિપ્રાય મેળવનાર છે. વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં હજુ સુધી જંગી ખરીદી કરી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ભૌગોલિક તંગદિલી વધી છે અને સ્થાનિક આર્થિક પડકારો પણ મોટાપાયે રહેલા હોવા છતાં વિદેશી મૂડીરોકાણકારો આશાસ્પદ રહ્યા છે. આજે જારી કરવામાં આવેલા આંકડા મુજબ પહેલી જાન્યુઆરીથી લઇને ૧૭મી જાન્યુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૧૦૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૮૯૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જેના પરિણામ સ્વરુપે જાન્યુઆરી મહિનામાં ૧૨૮૮ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ રોકાણના આંકડા ખુબ મહત્વપૂર્ણ રહ્યા છે.

(8:14 pm IST)