Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઘટી ગયેલું ૪૧ ટકા રોકાણ

આર્થિક સુસ્તીની ઇક્વિટી રોકાણ પર અસર : ઇક્વિટી સ્કીમો આ વર્ષમાં રોકાણકારોને આકર્ષિત કરશે

મુંબઈ, તા. ૧૯ : રોકાણકારોએ ૨૦૧૯માં ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં ૭૫૦૦૦ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું હતું. અગાઉના વર્ષમાં જે રોકાણ કરવામાં આવ્યું તેના કરતા ૪૧ ટકાનો ઘટાડો આમા નોંધાયો છે. આર્થિક સુસ્તી અને બજારમાં ઉથલપાથલની સીધી અસર જોવા મળી રહી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, ઇક્વિટી સ્કીમો આ વર્ષે મૂડીરોકાણકારોના હિતોને આકર્ષિત કરશે. બજાર શાનદાર દેખાવ કરે તેવી શક્યતા છે. એસોસિએશન મ્યુચ્યુઅલ ફંડના ડેટા દર્શાવે છે કે, ઇક્વિટી અને ઇક્વિટીલક્ષી બચતની સ્કીમોમાં લોકો વધારે આકર્ષિત થયા છે. ૨૦૧૯માં ૭૪૮૭૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. અલબત્ત આ આંકડો ૨૦૧૮માં રહેલા ૧.૨ લાખ કરોડના આંકડા કરતા ઓછો છે. ઇક્વિટી સ્કીમોમાં ૨૦૧૯માં મંદીની સ્થિતિ રહી હતી. ઇક્વિટી પ્રવાહ બે ઘટકો ધરાવે છે જેમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને નોન સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો સમાવેશ થાય છે.

            એકંદરે એસઆઈપી મારફતે ૮૨૪૫૩ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવી ચુક્યા છે. ઇન્ડસ્ટ્રીએ આ વર્ષે દરેક મહિનામાં ૯.૫૫ લાખ એસઆઈપી ખાતા ઉમેર્યા છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું એસેટ નેટવર્કનો આંકડો ડિસેમ્બર ૨૦૧૯ના અંતમાં ૮.૦૪ લાખ કરોડ રૂપિયા રહ્યો હતો જે ડિસેમ્બરના અંતે ૨૦૧૮માં ૭.૮૭ લાખ કરોડ રૂપિયાનો રહ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, બજારમાં હાલ મ્યુચ્યુઅલ ફંડને લઇને તેજી રહી શકે છે પરંતુ હાલમાં આર્થિક મંદીના લીધે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઘટ્યું છે. આંકડાને લઇને વિરોધાભાષ પણ છે.

(8:13 pm IST)