Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

દિલ્હી ચૂંટણી : ૨૦૦ યુનિટ મફત વિજળી યથાવત રહેશે

વિદ્યાર્થીઓને મફત બસ મુસાફરી : અરવિંદ કેજરીવાલ : પ્રદૂષણને ઘટાડી દેવા માટે બે કરોડથી વધુ વૃક્ષો લગાવાશે નવા મોહલ્લા ક્લિનિક અને હોસ્પિટલ ખોલવા જાહેરાત

નવીદિલ્હી, તા. ૧૯ : દિલ્હી વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખુબ સક્રિય દેખાઈ રહ્યા છે. કેજરીવાલે આજે વચન આપ્યું હતું કે, દિલ્હીના લોકોને હાલમાં ફ્રી મળી રહેલી સુવિધાઓ આગામી પાંચ વર્ષ પણ જારી રહેશે. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, દિલ્હીની પ્રજા માટે તેઓ કેટલાક નવા વચન પણ આપી રહ્યા છે. કેજરીવાલે પોતાની પાર્ટીના ઘોષણાપત્રને રજૂ કરતા કેટલીક વિગતો આપી હતી. આને કેજરીવાલ ગેરંટી કાર્ડ નામ આપવામાં આવ્યું છે. તેમના કહેવા મુજબ પાંચ વર્ષમાં તેઓ દિલ્હીને ચમકાવીને બતાવી દેશે. સાથે સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે, પાંચ વર્ષમાં તેઓ લોકોને યમુનામાં ડુબકી જરૂર લગાવી દેવા માટે ઇચ્છુક છે. મિડિયા સાથે વાતચીત કરતા કેજરીવાલે કહ્યું હતું કે, પહેલાથી જ લાગૂ કરવામાં આવેલી યોજનાઓ યથાવતરીતે લાગૂ રહેશે. કેટલીક એવી યોજનાઓ છે જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે.

            અહીં કેજરીવાલે વિજળી, પાણી, શિક્ષણ, પરિવહન, કાચી કોલોની અને યમુના ઉપર વાત કરી હતી. કેજરીવાલે જે નવા વચન આપ્યા છે તેમાં વિદ્યાર્થીઓને ફ્રી બસ સેવાની જાહેરાત કરવામાં આવી છે. હજુ સુધી દિલ્હીમાં માત્ર મહિલાઓ બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકે છે. બસની જેમ જ દરેક મોહલ્લાઓમાં માર્શલ રહેશે. આને મોહલ્લા માર્શલ નામ આપવામાં આવ્યું છે. પ્રદૂષણને ઘટાડી દેવા માટે દિલ્હીમાં બે કરોડથી વધારે વૃક્ષો લગાવવામાં આવશે. યમુના નદીને સ્વચ્છ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, યમુનાને સ્વચ્છ કરવામાં હજુ પાંચ વર્ષ લાગશે પરંતુ તેઓ યમુના નદીમાં દરેક સ્નાન કરી શકે તેવું આયોજન ધરાવે છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કાચી વસ્તુમાં રહેનાર લોકો માટે સાત ચીજોનું વચન આપ્યું હતું જેમાં માર્ગ, નાણા, પાણી, શિવર, મોહલ્લા ક્લિનિક અને

સીસીટીવીની ગેરન્ટી આપવામાં આવી છે. વિજળી ઉપર વાત કરતા કેજરીવાલે કહ્યું હતું કે, ૨૦૦ યુનિટ ફ્રી વિજળી આગામી વર્ષ સુધી જારી રાખવામાં આવશે. તાર અને હાઈટેન્શન વાયરથી રાહત આપવામાં આવશે. ૨૪ કલાક વિજળી દિલ્હીના સતત આપતા રહેવાની પણ કેજરીવાલે વાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૦૦૦ લીટર મફત પાણી લોકોને મળતું રહેશે. પાંચ વર્ષમાં દરેક ઘરમાં ટેન્કરથી શુદ્ધ પાણી યથાવતરીતે મળશે. શિક્ષણ અંગે વાત કરતા કેજરીવાલે કહ્યું હતું કે, ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસની જવાબદારી દિલ્હી સરકાર લેશે. નવા મોહલ્લા ક્લિનિક અને હોસ્પિટલ ખોલવામાં આવશે. મહિલાઓને આગળ પણ બસમાં ફ્રી સફર મળશે. પ્રદૂષણને ઘટાડવા માટે પણ નવા આયોજન થઇ રહ્યા છે. કેજરીવાલની લોકલક્ષી યોજનાઓને લઇને ભાજપ પાસે કોઇ મુદ્દા દેખાઈ રહ્યા નથી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચનો....

અરવિંદ કેજરીવાલ ગેરંટી કાર્ડ રજૂ

નવીદિલ્હી, તા. ૧૯ : દિલ્હીની ચૂંટણી પહેલા કેજરીવાલે આજે કેજરીવાલ ગેરંટી કાર્ડ રજૂ કરીને ઘોષણાપત્રની ટૂંકી વિગતો આપી હતી. તેમના વચન નીચે મુજબ છે.

*       ૨૦૦ યુનિટ ફ્રી વિજળી આગામી પાંચ વર્ષ સુધી જારી રહેશે

*       તાર અને હાઈટેન્શન વાયરથી છુટકારો અપાશે

*       ૨૪ કલાક વિજળી આપવાનું વચન જારી રહેશે

*       ૨૦૦૦૦ લીટર મફત પાણી પણ મળતું રહેશે

*       પાંચ વર્ષમાં દરેક ઘરને ટાંકી મારફતે શુદ્ધ પાણી અપાશે

*       ગ્રેજ્યુએશન સુધી અભ્યાસની જવાબદારી સરકાર લેશે

*       નવા મોહલ્લા ક્લિનિક અને હોસ્પિટલ ખોલાશે

*       મહિલાઓને બસમાં ફ્રી યાત્રા જારી રહેશે

*       વિદ્યાર્થીઓને પણ હવે મફતમાં બસ યાત્રાની સુવિધા અપાશે

*       બસની જેમ જ દરેક મોહલ્લામાં માર્શલ રહેશે જેને મોહલ્લા માર્શલ કહેવામાં આવશે

*       પ્રદૂષણને ઘટાડવા દિલ્હીમાં બે કરોડથી વધુ વૃક્ષ લગાવાશે

*       યમુના નદીને સ્વચ્છ કરવાને પ્રાથમિકતા અપાશે

(8:00 pm IST)