Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

સાંઇ જન્મસ્થાન વિવાદ : શિરડી બંધની ખુબ પ્રતિકુળ અસર રહી

શિરડીમાં દુકાનો, હોટલો, વેપારી પેઢીઓ, વાહનો બંધ રહ્યા : શિરડી બંધના એલાન છતાં મંદિરમાં સાંઇના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ધસારો યથાવત રહ્યો : પૂજા-અર્ચના મંદિરમાં કરાઇ : શિરડીના લોકોમાં ભારે આક્રોશ

મુંબઈ, તા. ૧૯ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે તરફથી સાંઇબાબાના જન્મ સ્થાનને લઇને આપવામાં આવેલા નિવેદનથી વિવાદ થયા બાદ આ વિવાદ હજુ જારી રહે તેવી શક્યતા છે. આજે શિરડી બંધના એલાનની માઠી અસર થઇ હતી. બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. માર્ગો ઉપર વાહનો પણ દેખાયા ન હતા. જનજીવન ઉપર માઠી અસર થઇ હતી. તમામ જગ્યાએ સન્નાટો જોવા મળ્યો હતો. શિરડીમાં દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ અને જુદા જુદા વેપારી એકમો બંધ રહ્યા હતા. સાંઇ મંદિરમાં પૂજા યથાવતરીતે થઇ હતી. આવી સ્થિતિમાં મંદિરમાં સાંઇના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓને ઘણી મુશ્કેલી નડી હતી. બંધના એલાન છતાં મંદિરની બહાર શ્રદ્ધાળુઓ નજરે પડ્યા હતા. મંદિર ન્યાસ અને અહેમદનગર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ કહ્યું હતું કે, બંધ અડધી રાત્રે શરૂ થયા બાદ તેની અસર આજે દિવસમાં જોવા મળી હતી. શિરડીમાં સાંઇ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ રહ્યું હતું.

                શ્રદ્ધાળુઓએ પૂજા પણ કરી હતી. શિરડી મંદિરના પ્રસાદ અને લાડૂ માટે કેન્દ્રો ઉપર લાંબી લાઇનો જોવા મળી હતી. ભાજપના સ્થાનિક હોદ્દેદાર સચિન તાંબેએ બંધને સફળ ગણાવીને કહ્યું છે કે, દુકાનો, હોટલો અને સ્થાનિક પરિવહન સેવાઓ આજે સંપૂર્ણ બંધ રહી હતી. શિરડી સહિત આસપાસના ૨૫ ગામોમાં બંધની ખુબ સારી અસર રહી હતી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ કહ્યું હતું કે, પહેલાથી જ હોટલ બુક કરનાર શ્રદ્ધાળુઓને રહેવાની મંજુરી મળી હતી. વિમાની મથકથી મંદિર સુધી ટેક્સીની સેવાઓ પણ સામાન્ય રહી હતી. અન્ય સ્થળોથી આવનાર રાજ્ય માર્ગ પરિવહનની બસ પણ યથાવતરીતે દેખાઈ હતી. આ વિવાદ એ વખતે થયો હતો જ્યારે ઉદ્ધવ ઠાકરેએ પરભાણી જિલ્લાના પાથરીમાં સાંઇબાબા સાથે જોડાયેલા સ્થાન પર સુવિધાઓના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. કેટલાક શ્રદ્ધાળુ પાથરીને સાંઇબાબાના જન્મસ્થાન તરીકે ગણે છે જ્યારે શિરડીના લોકો દાવો કરે છે કે, સાંઇબાબાના જન્મ સ્થળને લઇને કોઇની પાસે માહિતી નથી. બીજી બાજુ શિરડી સ્થિત સાંઇબાબા સંસ્થા ન્યાસના મુખ્ય કારોબારી અધિકારી દિપક મુગલીકરે કહ્યું છે કે, બંધ છતાં મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા પૂજા અર્ચનાનો દોર જારી રહ્યો હતો. બીજી બાજુ ભાજપના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખેપાટિલે કહ્યું હતું કે, સ્થાનિક લોકો દ્વારા બોલાવવામાં આવેલા બંધને તેઓએ સમર્થન આપ્યું છે. પરભાણી જિલ્લાના પાથરી શિરડીથી ૨૭૫ કિલોમીટરના અંતરે છે.

               ઉદ્ધવ ઠાકરે કહી ચુક્યા છે કે, સાંઇ બાબાના જન્મસ્થળ તરીકે આ વિસ્તાર છે જ્યારે શિરડી સાંઇ બાબાની કર્મભૂમિ રહેલી છે. કોંગ્રેસના નેતા અશોક ચવાણે કહ્યું છે કે, પાથરીમાં વિકાસની કામગીરીનો વિરોધ જન્મસ્થળના વિવાદને લઇને કરવામાં આવવો જોઇએ નહીં. શિરડીમાં સાંઇબાબા આવીને વસી ગયા હતા અને ત્યાં જ રોકાયા હતા. શિરડીના લોકો હાલ ભારે નારાજ દેખાઈ રહ્યા છે. પાથરીના વિકાસને લઇને લોકોને વિરોધ નથી પરંતુ પાથરીને સાંઇબાબાની જન્મ ભૂમિ કહેવાને લઇ આ બાબત યોગ્ય નથી તેવો મત શિરડી સાંઇ ટ્રસ્ટના કાર્યકરો માની રહ્યા છે. આ પહેલા પણ સાંઇબાબા અને તેમના માતા-પિતાના સંદર્ભમાં અનેક દાવા થઇ ચુક્યા છે.

(7:58 pm IST)