Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાઃ સતત ૪ દિવસથી હિમવર્ષાને કારણે જનજીવન ઠુંઠવાયું

મનાલી, શિમલા, મંડીમાં હાડથીંજાવતી ઠંડીઃ વાહન વ્યવહારને અસર કુલ ૩૨૨ રસ્તાઓ બંધઃ પર્યટકો મુશ્કેલીમાં

હિમાચલ પ્રદેશના મંડીમાં સતત હિમવર્ષાના કારણે પર્યટકોને પરેશાનીનો સમાનો કરવાનો વારો આવ્યો છે. ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શિમલા, મનાલી, મંડીમાં હાલ હિમવર્ષા થઇ રહી છે. ભારે હિમવર્ષાના કારણે રસ્તા, પહાડો પર બરફની ચાદર જોવા મળી રહી છે.

હિમવર્ષાના કારણે 322 જેટલા રસ્તા પણ બંધ કરાયા છે. વાહન વ્યવહાર બંધ થતા પર્યટકો અટવાયા છે ત્યારે હવે તંત્ર દ્વારા રસ્તા પરથી બરફને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શનિવારે બદ્રીનાથ, કેદારનાથ,ગંગોત્રી, યમુનોત્રી સહિત હેમકુંડ સાહિબ, ચોપટા, હર્ષિલ, ભટવાડી અને નિજમુલા ઘાટીમાં ભયંકર બરફ વર્ષા થઈ હતી. આ સાથે જ પહેલાંથી બરફમાં ઢંકાયેલા ગામમાં ફરીથી હિમવર્ષા થવાના કારણે લોકોની મુશ્કેલી વધી હતી. 

ખાસ કરીને ઠંડી અને હિમવર્ષાના કારણે લાકડીની મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. લાકડા ભીના થઈ જવાના કારણે ઘરમાં તાપણું કરવું કે ચૂલા સળગાવવાનું પણ શક્ય નથી. આ ઉપરાંત વીજળી, પાણી અને સંદેશાવ્યવહાર પણ ખોરવાઈ જતાં મુશ્કેલી સર્જાઈ છે. ઉત્તર કાશીમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયે પણ 4 દિવસ સુધી સતત હિમવર્ષા થવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. 

 

(10:40 am IST)