Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

બંગાળ ભાજપ પ્રમુખ ફરી ભાન ભૂલ્યા : CAAનો વિરોધ કરનારાઓને ગણાવ્યા 'શેતાન અને કીડા'

ટીએમસીએ કહ્યું રાજ્યનાં લોકો તેમના અને તેમના પક્ષનાં ઘમંડનો જવાબ આપશે

 

કોલકતા : પશ્ચિમ બંગાળનાં ભાજપનાં વડા દિલીપ ઘોષે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જે લોકો નાગરિકતા સુધારો કાયદા (સીએએ) નો વિરોધ કરે છે તેઓ 'ડેવિલ્સ એન્ડ વોર્મ્સ' છે. ઘોષ હાવડામાં સીએએનાં સમર્થનમાં આયોજીત એક રેલીમાં બોલી રહ્યા હતા. તેમણે લોકોને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસનાં અન્ય નેતાઓની જાળમાં ન આવવા કહ્યું. જેઓ એમ કહેતા હોય છે કે પાન અને આધારકાર્ડવાળા શરણાર્થીઓએ નાગરિકત્વ માટે અરજી કરવાની જરૂર નથી.

 તેમણે કહ્યું, 'શરણાર્થીઓને તાજા નાગરિકત્વ કાયદા દ્વારા નાગરિકત્વ લેવું પડશે. જો તમે તમારી વિગતો સબમિટ નહીં કરો તો તમે મુશ્કેલીમાં આવી શકો છો. ઘોષે સીએએ વિરુદ્ધ રેલીઓ અને દેખાવો પર પણ નિશાન સાધતા કહ્યું, 'જ્યારે હિન્દુઓને પડોશી દેશોમાંથી ભારત છોડવું પડ્યું, ત્યારે બૌદ્ધિજીવીઓ ક્યારેય રસ્તાઓ પર ઉતર્યા નહીં.' તેમણે કહ્યું કે, આ કાયદો શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માટે છે, તેમની નાગરિકતા છીનવવાનો નથી

  . ઘોષે વિપક્ષ પર લોકો પર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, 'વડા પ્રધાનમંત્રી નાગરિકત્વ સાબિત કરવા માટે અરજી કરવા માટે ત્રણથી ચાર મહિનાનો સમય આપશે. તમારે બધાએ નાગરિકત્વ માટે અરજી કરવી જોઈએ. તમારે કંઈપણ સાબિત કરવા માટે દસ્તાવેજોની જરૂર નથી. ફક્ત તમારા માતાપિતાનાં નામ સાથે ફોર્મ ભરો, તમને નાગરિકત્વ મળશે. ' જોકે, શાસક તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ દિલીપ ઘોષનાં નિવેદનની નિંદા કરી છે. સંસદીય બાબતોનાં રાજ્યમંત્રી તાપસ રોયે કહ્યું, 'આ નક્કી કરનાર દિલીપ ઘોષ કોણ છે, કે કોણ નાગરિક છે અને કોણ નથી? રાજ્યનાં લોકો તેમના અને તેમના પક્ષનાં ઘમંડનો જવાબ આપશે.'

(12:44 am IST)