Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

ભાજપ વિરૂધ્ધ મમતાનું મહાશકિત પ્રદર્શન

કોલકત્તામાં વિપક્ષોની મહારેલી : ૪૧ વર્ષ બાદ વિપક્ષો એકમંચ ઉપરઃ ભગવા બ્રિગેડના કુશાસન વિરૂધ્ધ લડાઇનો સંકલ્પ : ૪૦ લાખ લોકો જોડાશે મહારેલીમાં : રાહુલ - સોનિયા - માયા ગેરહાજર

કોલકત્તા તા. ૧૯ : ૨૦૧૯નો ચૂંટણી જંગ જીતવા ભાજપ મરણીયું બન્યું છે ત્યારે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્વમાં આજે ૨૦ પક્ષોના નેતાઓ ભાજપની વિરૂધ્ધ સંયુકત લડાઇનું એલાન કરવા જઇ રહ્યા છે. ૧૯૭૭ બાદ પહેલીવાર વિપક્ષની ઐતિહાસિક રેલી યોજાઇ રહી છે. જેમાં દાવો છે કે ૪૦ લાખ લોકો ભાગ લેશે. મમતા બેનરજીએ કહ્યું છે કે, ભગવા પાર્ટીના કુશાસન વિરૂધ્ધ સંયુકત લડાઇનો સંકલ્પ લેશું. ભગવા પાર્ટીને ૧૨૫થી વધુ બેઠકો નહિ મળે. આ રેલીમાં જો કે રાહુલ, સોનિયા, માયાવતી નથી જોડાયા પણ તેઓએ પ્રતિનિધિ મોકલ્યા છે. હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી પણ જોડાયા છે. લોકસભાની ૨૯૫ બેઠકો પર અસર પડતા નેતાઓનો જમાવડો થયો છે. આ રેલીને સફળ બનાવવા માટે મમતાએ પુરી તાકાત લગાડી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની એન્ટી-બીજેપી 'યુનાઇટેડ ઇન્ડિયા રેલી'માં  કોલકત્તામાં વિપક્ષી દળોનો જમાવડો જોવા મળશે. આ 'સંયુકત વિપક્ષી રેલી'માં મોટાભાગે નોન એનડીએ પક્ષના નેતાઓ સામેલ થવાની શકયતા છે. ત્યારે આજે તો એ જોવાનું રહેશે કે રેલીમાં વિપક્ષી એકતા પર મ્હોર લાગે છે કે નહીં?

તૃણમૂલ કોંગ્રેસની 'સંયુકત વિપક્ષી રેલી' ઐતિહાસિક બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાશે. આ રેલીમાં સામેલ થવા માટે અખિલેશ યાદવ (એસપી), સતીશ મિશ્રા (બસપા), શરદ પવાર (એનસીપી), ચંદ્રબાબુ નાયડુ (ટીડીપી), એમ.કે.સ્ટાલિન (ડીએમકે), એચ.ડી.દેવગૌડા અને તેમનો દીકરો કુમારસ્વામી (જેડીએસ), મલ્લિકાર્જુન ખડગે અને અભિષેક મનુ સિંઘવી (કોંગ્રેસ), અરવિંદ કેજરીવાલ (આપ), ફારૂક અબ્દુલ્લાહ અને તેમનો દીકરો ઉમર અબ્દુલ્લાહ (નેશનલ કોન્ફરન્સ), તેજસ્વી યાદવ (આરજેડી), અજીત સિંહ અને જયંત ચૌધરી (આરએલડી) હેમંત સોરેન (જેએમએમ), શરદ યાદવ (લોકતાંત્રિક જનતા દળ)એ સહમતિ વ્યકત કરી છે અને મોટાભાગના નેતા પહોંચી ગયા છે.

આ પક્ષની સાથે જ ભાજપના બળવાખોર નેતા યશવંત સિન્હા, શત્રુઘ્ન સિન્હા, અને અરૂણ શૌરી પણ મંચ શેર કરવા માટે કોલકત્તા પહોંચી ગયા છે. જો કે ઓરિસ્સા અને તેલંગાણામાં સત્તારૂઢ બીજુ જનતા દળ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ એ આ રેલીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. નોન એનડીએમાં માત્ર આ બે પક્ષ છે, જેમણે કોલકત્તા આવાની સહમતિ વ્યકત કરી નથી. જયારે લેફટ ફ્રન્ટે આ રેલીથી પોતાને દૂર કર્યા છે.

આ રેલીમાં કેન્દ્ર સત્તારૂઢ નરેન્દ્ર મોદી સરકારને હરાવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરી શકાય છે. આ રેલીમાં એકત્ર થઇ રહેલ દેશભરના વિપક્ષી દળ પોતાના કોઇ સર્વમાન્ય નેતા પસંદ કરશે કે નહીં, આ અંગે પણ હજુ સ્પષ્ટતા થઇ નથી. જો કે આ અંગે અખિલેશ યાદવે ઇશારામાં કહ્યું. કોલકત્તા પહોંચવા પર અખિલેશે કહ્યું કે દેશ નવા વડાપ્રધાનની રાહ જોઇ રહ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ આ રેલીમાં સામેલ થવાના નથી. તેમણે મલ્લિકાર્જુન ખડગે તથા અભિષેક મનુ સિંઘવીને કોલકત્તા મોકલવાનો નિર્ણય લીધો છે. ક્ષેત્રીય પક્ષોને એકત્ર કરી રેલીનું આયોજન કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે ક્ષેત્રીય રાજકીય મજબૂરીઓને આ પ્રસ્તાવિત રેલી સાથે જોડાયેલા મોટા રાજકીય ઉદ્દેશ્યોને એકત્ર કરવા જોઇએ નહીં.

રેલીના યજમાન મમતા બેનર્જીએ શુક્રવારના રોજ તમામ નેતાઓ સાથે મુલાકાત કરી. કેન્દ્રમાં ત્રીજા મોર્ચાની સરકાર ચલાવી ચૂકેલા પૂર્વ પીએમ દેવગૌડાએ વિપક્ષી દળોને એક મંચ પર લાવવાના મમતા બેનર્જીના પ્રયાસના વખાણ કર્યા. આ સિવાય તાજેતરમાં ભાજપ છોડી પોતાની પાર્ટી બનાવાની જાહેરાત કરી ચૂકેલા અરૂણાચલ પ્રદેશના પૂર્વ સીએમ ગેગોંગ અપાંગ એ પણ મમતાને ગ્રેટ લીડર ગણાવ્યા. તેઓ પણ આ રેલીમાં હાજર રહેશે.

બીજીબાજુ ભાજપે મમતા બેનર્જીની આ રેલીને 'સર્કસ'ગણાવતા મજાક ઉડાવી છે. ભાજપના પ્રદેશ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે રાજકારણમાંથી રિટાયરમેન્ટ લઇ ચૂકેલા અને થાકેલા તમામ જૂના નેતા આ રેલીમાં આવી રહ્યા છે, જેમને પોતાના જ રાજયમાં ઓળખ સમેટી રહ્યા છે. જે પક્ષોને પ્રજા નકારી ચૂકી છે, તે માત્ર લાઇમલાઇટ માટે આ સર્કસમાં આવી રહી છે.(૨૧.૬)

(10:42 am IST)