Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

શેરબજારમાં અવિરત તેજી વચ્ચે સેંસેક્સ વધુ ૨૫૧ પોઇન્ટ અપ

સતત ત્રીજા કારોબારી સેશનમાં બેંચમાર્ક ઇન્ડેક્સમાં ઉછાળો : ચોક્કસ ચીજવસ્તુ તેમજ સર્વિસમાં ટેક્સમાં કાપ મુકવાના સરકારના નિર્ણય બાદ શેરબજાર પર સીધી અસર : સતત સાતમાં સપ્તાહમાં ઇન્ડેક્સમાં ઉછાળો

મુંબઇ,તા. ૧૯ : શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૫૧ પોઇન્ટ ઉછળીને ૩૫૫૧૧ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૭૮ પોઇન્ટ ઉછળીને ૧૦૮૯૫ની ઉંચી સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટી હવે ૧૧ હજારની દિશામાં આગેકુચ કરતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. આજે સતત  ત્રીજા સેશનમાં શેરબજારમાં જોરદાર તેજી જુદા જુદા પરિબળો વચ્ચે રહી હત. ચોક્કસ વસ્તુઓ અને સર્વિસ પર ટેક્સ રેટમાં સરકારે ઘટાડો કરવાનો નિર્ણય કર્યા બાદ તેની આજે બજાર પર સારી અસર રહી હતી. બન્ને ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટીમાં સતત સાતમાં સપ્તાહમાં સાપ્તાહિક ઉછાળાની સ્થિતી રહી હતી. ગઇકાલે જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં ધારણા પ્રમાણે જ ૨૯ વસ્તુઓ ઉપર જીએસટીના રેટ ઘટાડી દેવામાં આવ્યા હતા. ૫૩ સેવાઓ ઉપર જીએસટીનો દર ઘટાડી દેવામાં આવ્યા હતા જ્યારે ફાઇલિંગને વધુ સરળ કરવા અંગેનો નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે ત્યારે પેટ્રોલ ડીઝલના સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જીએસટી કાઉન્સિલે નાના કારોબારીઓ અને ગ્રાહકોને મોટી રાહત આપીને હેન્ડીક્રાફ્ટ સહિત ૨૯ વસ્તુઓ ઉપર જીએસટી ટેક્સને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો.  આ ઉપરાંત ૫૩ સેવાઓ ઉપર જીએસટીના રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો હતો.આજે પણ દિવસ દરમિયાન શેરબજારમાં તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. બેંચમાર્ક ઇન્ડેક્સ નવી ઉંચી સપાટીએ પહોંચી રહ્યો છે. બેંકો માટે સરકાર વિદેશી મૂડીરોકાણની મર્યાદાને વધારી શકે છે. સરકાર ખાનગી બેંકોમાં વિદેશી મૂડીરોકાણની મર્યાદાને ૧૦૦ ટકા કરવા માંગે છે જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં ૪૯ ટકા કરવા માંગે છે.  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે વેપાર ખાદ્યનો આંકડો નવેમ્બર મહિનામાં ૧૩.૮૩ અબજ ડોલરનો હતો. જે વધીને હવે ગયા મહિનામાં ૧૪.૮૮ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે.બજેટમાં નાણાં પ્રધાન સામે તમામને રાજી કરવા માટેનુ દબાણ દેખાઇ રહ્યુ છે.શેરબજારમાં મજબુત સ્થિતીના કારણે સ્થિતી ખુબ સારી દેખાઇ રહી છે. શેરબજારમાં ભાગ લેનાર દ્વારા અવિરત લેવાલીના કારણે આ તેજી રહી હતી. શેરબજાર સાથે જોડાયેલા કારોબારઓએ કહ્યુ છે કે સેંસેક્સે ૩૪૦૦૦થી ૩૫૦૦૦ની સપાટી પર પહોંચી જવામાં કુલ ૧૭ સેશન લાગી ગયા છે. બ્રોડર નિફ્ટી પણ નવી ઉંચી સપાટી પર રહેતા કારોબારી ભારે ખુશ દેખાઇ રહ્યા છે. કારોબારના અંતે સેંસેક્સ ગુરૂવારના દિવસે વધુ ૧૭૮ પોઇન્ટ ઉછળીને ૩૫૨૬૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો.  નિફ્ટી ૨૮ પોઇન્ટ ઉછળીને ૧૦૮૧૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. 

(7:23 pm IST)