Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

પાસપોર્ટનો રંગ બદલાશેઃ હવે ઓરેન્જ પાસપોર્ટ મળશે

છેલ્લું પેજ પણ હવે પ્રિન્ટ નહીં થાય

નવી દિલ્હી તા. ૧૯ : ભારતના પાસપોર્ટનું નામ આવે ત્યારે તેમને સામે બ્લુ કલર (વાદળી રંગ)નો પાસપોર્ટ યાદ આવી જશે. હવે ખુબ જલદી આ તસવીર બદલાઈ જશે. કારણ કે હવે ભારતમાંથી બહાર કામ કરવા જતા ભારતીયોને સરકાર દ્વારા ઓરેન્જ કલરનો પાસપોર્ટ આપશે. શા માટે ભારત સરકાર ઓરેન્જ કલરનો પાસપોર્ટ લાવી રહી છે.

સરકારે નિર્ણય કર્યો છે કે તેઓ પાસપોર્ટનું છેલ્લું પેજ હવે પ્રિન્ટ નહીં કરે. આ પેજ પર પાસપોર્ટ હોલ્ડરના પિતાનું નામ, માતા અથવા પત્નીનું નામ, અડ્રેસ, ઈમિગ્રેશન ચેક રિકવાયર્ડની માહિતી હોય છે. સાથે જુના પાસપોર્ટનો નંબર અને જયાંથી જાહેર કરવામાં આવ્યો હોય તે સ્થળનું નામ હોય છે.

સરકારની ત્રણ સભ્યોની એક કમિટીએ સરકારને સૂચન આપ્યું હતું કે પાસપોર્ટ પર માતા કે બાળકોના પાસપોર્ટ પર પિતાનું નામ લખવું ફરજિયાત ન હોવું જોઈએ. સિંગલ પેરન્ટ અથવા દત્તક લીધેલા બાળકને પણ એવું ન કરવું પડે. આ સૂચનને ધ્યાનમાં રાખીને સરકારે હવે આ પાછળના પેજની માહિતી પ્રિન્ટ ન કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે અડ્રેસ પ્રુફ તરીકે પાસપોર્ટનો ઉપયોગ થઈ શકશે નહીં.

આ નવો પાસપોર્ટ કંઈ તારીખથી લાગુ પડશે તેની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. પ્રિન્ટના આદેશ ઈન્ડિયન સિકયુરિટી પ્રેસ, નાસિકને આપી દેવામાં આવ્યો છે. અહીં નવા કલર પર નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.

ઈમિગ્રેશન એકટ ૧૯૮૩ મુજબ ભારતીય પાસપોર્ટની કેટલીક કેટેગરીને પ્રોટેકટર ઓફ ઈમિગ્રેશન (POE)તરફથી ઈમિગ્રેશન કિલયરેંસની જરૂર હોય છે. જેના માટે પાસપોર્ટને બે કેટેગરીમાં વહેંચવામાં આવે છે. ECRની જરૂર છે અને બીજી કેટેગરી ECRની જરૂર ન હોય તેવા પાસપોર્ટ.

વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે ઓરેન્જ કલરનો પાસપોર્ટ જાહેર કરી સરકાર સામાજિક અને આર્થિક આધાર પર ભેદભાવ કરી રહી છે. ખાસ કરીને ખાડી દેશોમાં કામ કરવા માટે જતા ભારતીય નાગરિકોને સેકન્ડ કલાસ સિટિજન તરીકે જોવામાં આવશે.(૨૧.૭)

(10:02 am IST)