Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ જીટી નાણાવટીનું નિધન

શીખ વિરોધી રમખાણો અને ગોધરા રમખાણ તપાસ પંચની તપાસ કરનારા કમિશનના વડા તરીકે જાણીતા:ગુજરાત ચીફ જસ્ટિસનું પદ સંભાળી ચુક્યા છે જીટી નાણાવટી: વર્ષ 1979માં ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા 1993માં તેમની બદલી ઓરિસ્સા હાઈકોર્ટમાં થઈ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જીટી નાણાવટીનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેઓ  1984ના શીખ વિરોધી રમખાણો અને 2002ના ગોધરા રમખાણ તપાસ પંચની તપાસ કરનારા કમિશનના વડા તરીકે જાણીતા છે.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ગિરીશ ઠાકોરલાલ નાણાવટીનું અમદાવાદમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. મળતી માહિતી અનુસાર જસ્ટિસ નાણાવટીને બપોરે 1:30 વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ થયુ હતુ.

જસ્ટિસ નાણાવટીએ વર્ષ 1958માં બોમ્બે હાઈકોર્ટમાંથી કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1979માં તેઓ ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. આ પછી, 1993 માં તેમની બદલી ઓરિસ્સા હાઈકોર્ટમાં થઈ હતી.

સુપ્રીમ કોર્ટમાંથી તેમની નિવૃત્તિ પછી, તેમણે 1984ના શીખ વિરોધી રમખાણો અને 2002ના ગોધરા રમખાણોની તપાસ માટે રચાયેલા તપાસ પંચનું નેતૃત્વ કર્યું. 6 માર્ચ 1995ના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બન્યા તે પહેલા તેમણે ઓરિસ્સા, ગુજરાત અને કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ પણ સંભાળ્યું હતું. તેઓ 16 ફેબ્રુઆરી 2000ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. જસ્ટિસ નાણાવટીનો જન્મ 17 ફેબ્રુઆરી 1935ના રોજ થયો હતો.

મહત્વનું છે કે મે 2002માં, ગુજરાત સરકારે ગોધરા રમખાણોની તપાસ માટે રચાયેલ કમિશનના વડા તરીકે ન્યાયમૂર્તિ નાણાવટીની નિમણૂક કરી. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા. આ પછી, ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભીષણ રમખાણો થયા, જેમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા.

(10:03 pm IST)