Gujarati News

Gujarati News

News of Saturday, 18th December 2021

ગયામાં મહાબોધિ મંદિર બ્લાસ્ટ કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ અને પાંચ આરોપીઓને 10 વર્ષની સજા

ગત 10 ડિસેમ્બરે કોર્ટે તમામને અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. તમામ હાલમાં પટનાની બેઉર જેલમાં બંધ

પટનાની વિશેષ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે ગયાના મહાબોધિ મંદિર વિસ્ફોટ અને બોમ્બ જપ્ત મામલે ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે,જ્યારે પાંચ ગુનેગારોને  10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સ્પેશિયલ જજ ગુરવિંદર સિંહ મલ્હોત્રાની કોર્ટે આજે તમામને સજાની જાહેરાત કરી હતી. 10 ડિસેમ્બરે કોર્ટે તમામને અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. તમામ હાલમાં પટનાની બેઉર જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટ 19 જાન્યુઆરી 2018ના રોજ થયો હતો.

10 ડિસેમ્બરે તમામ આઠ દોષિતોએ સ્વેચ્છાએ તેમના ગુનાની કબૂલાત કરી હતી. આ તમામને આઈપીસીની વિવિધ કલમો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસના નવમા આરોપી ઝાહીદ-ઉલ-ઈસ્લામે પોતાનો ગુનો કબૂલ્યો નથી. તેની સામે ટ્રાયલ ચાલુ રહેશે.

આ મામલો મંદિર પરિસરમાં અને તેની આસપાસ ત્રણ આઈઈડી લગાવવા સાથે સંબંધિત છે. ગુનેગારોએ દલાઈ લામા અને બિહારના રાજ્યપાલની મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં IED લગાવીને કાવતરું ઘડ્યું હતું. ઘટના 19 જાન્યુઆરી 2018ની છે, જ્યારે મહાબોધિ મંદિરમાં બૌદ્ધોની નિગમ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ,એમાં દલાઈ લામાએ પણ હાજરી આપી હતી

કાલચક્ર મેદાનના ગેટ નંબર પાંચ પર મળેલો પહેલો IED નિષ્ક્રિયતા દરમિયાન વિસ્ફોટ થયો હતો. શ્રીલંકાના મઠ પાસે અને મહાબોધિ મંદિરના ગેટ નંબર 4ના પગથિયાં પાસેથી વધુ બે IED મળી આવ્યા હતા. NIAએ તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કર્યા બાદ 9 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

(11:07 pm IST)