Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

તમિલનાડુમાં તબાહી મચાવ્યા બાદ ગાજા ચક્રવાત કેરળ તરફ ફંટાયું ગાજા ચક્રવાત: અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નિપજ્યા

તમિલનાડુ: ચક્રવાત ગાજા તમિલનાડુમાં તબાહી મચાવ્યા બાદ હવે કેરળ પહોંચી ગયું છે અને રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુમાં તબાહી બાદ રાહત કાર્ય જોરો પર ચાલી રહ્યું છે અને કેન્દ્રની મોદી સરકારે પણ આપત્તિ પીડિત રાજ્યને દરેક સંભવ મદદ આપવાની વાત કરી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાત આગામી 12 કલાકમાં ઝડપી બની શકે છે અને આ લક્ષદ્વીપને પાર કરી ગયું છે. આ વચ્ચે લક્ષદ્વીપ અને કેરળના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

એર્નાકુલમમાં લગભગ 200 ઘરોમાં નુકસાન પહોંચ્યું છે. અહીં મોટી સંખ્યામાં વૃક્ષ અને વિજળીના થાંભલા ઉખડી ગયા છે. તોફાનને જોતા રાજ્યના માછીમારોને સમુદ્રતટની નિકટ ન જવાની સલાહ અપાઈ છે. ગાજા તોફાનની ગતિમાં ઘટાડો થયો છે અને તે કેરળના તટ પર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહ્યું છે જે 60 કિમી સુધી પહોંચી શકે છે.

તો તમિલનાડુમાં તોફાન ગાજાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 36 સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન મોટું આર્થિક નુકસાન થયું છે. રાજ્યમાં 30 હજારથી વધારે વિજળીના થાંભલા અને 1 લાખથી વધારે વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્યમંત્રી ઈકે પલાનીસ્વામીએ કહ્યું કે તોફાનનો પ્રભાવ ઓછો રહ્યો કારણ કે 82 હજાર લોકોને પહેલાથી 471 રાહત કેન્દ્રોમાં સુરક્ષિત પહોંચાડી દેવામાં આવ્યા હતા. તેમને સરકાર દ્વારા ફૂડ અને ચિકિત્સા સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે. મુખ્યમંત્રીએ સલેમ પાસે વનવાસીમાં કહ્યું કે ઢોરો અને અન્ય પ્રાણીઓને પણ આ દરમિયામ ભારે નુકસાન થયું છે.

(4:15 pm IST)