Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે અથડાઇ : 16 બાળકો ઇજા : બસના ડ્રાઈવર અને કન્ડક્ટરની હાલત ગંભીર

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે  શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે ટકરાઈ જતા થયેલા અકસ્માતમાં શાળાના ૧૬ બાળકો ઘાયલ થયા છે, જ્યારે બસના ડ્રાઈવર અને કન્ડક્ટરની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

અહેવાલો અનુસાર આ સ્કૂલ બસ એપીજે સ્કૂલની હતી અને તેમાં ૩૫ જેટલા બાળકો સવાર હતા. દુર્ઘટનામાં બસની ડિવાઈડર સાથે ટક્કર એટલી જોરદાર હતી કે બસના ડ્રાઈવર અને કન્ડક્ટર બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. બસની બારીના કાચ તોડીને બાળકોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા બાળકોને કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ સેક્ટર-૧૬ના અંડરપાસ નજીક નોઈડા ઓથોરિટીનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અંડરપાસ પર પડેલા બિલ્ડિંગ મટિરિયલમાં બસનું ટાયર સ્કીડ થઈ જતા બસ ડિવાઈડર સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં ૧૬ જેટલા બાળકોને નજીવી ઈજા પહોંચી હતી. આ બસમાં કેટલાક શિક્ષકો પણ સવાર હતા. જેમને પણ ઈજા પહોંચી છે. ડ્રાઈવરે અંડરપાસના કાટમાળમાં બસનું ટાયર ફસાઈ જતા બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ ડિવાઈડર સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતની જાણ થતા પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા છે અને બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી જતાં મોટું નુકસાન થયું છે. રજનીગંધા અંડર પાસમાં પીલરનું મેન્ટનન્સ ચાલી રહ્યું હતું અને તેના કાટમાળમાં બસનું ટાયર ફસાઈ ગયું જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

રજનીગંધા ચોક નોઈડાનો સૌથી વ્યસ્ત વિસ્તારમાંનો એક છે અને આજે સવારે આ સ્કૂલબસને અકસ્માત નડતા સમગ્ર વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ અને પરિવહન વિભાગ દુર્ઘટનાગ્રસ્ત બસને હટાવવા માટે તાબડતોબ કામગીરી હાથ ધરી હતી.

 

(1:23 pm IST)