Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

માલદીવ્ઝને નરેન્‍દ્રભાઇનું આશ્વાસન: ચિંતા ન કરશો અમે શક્ય તેટલી મદદ કરીશું: માલદીવ્ઝના સંબંધોને મજબૂત બનાવવા માટે ફરી એક વાર પહેલ

 નવી દિલ્હી:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ્ઝના સંબંધોને મજબૂત બનાવવા માટે ફરી એક વાર પહેલ કરી છે. તેમણે નાણાકીય તંગીનો સામનો કરી રહેલ માલદીવને આશ્વાસન આપતા કહ્યું કે, ભારત તેમને આ પરિસ્થિતીમાંથી બહાર નિકળવા માટે તેમનાથી બનતી દરેક મદદ કરશે. વડાપ્રધાન મોદીએ માલદીવ્ઝના નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોહિલે આ બાબત પર ચર્ચા પણ કરી હતી. ખાસ વાત તો એ છે કે, શનિવારના રોજ માલદીવ્ઝના નવા રાષ્ટ્રપતિએ પદ સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે, આ દેશની આર્થિક સ્થિતિ ઠીક નથી.

 ઉલ્લેખનીય છે કે, માલદીવ્ઝના નવા રાષ્ટ્રપ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથવિધિ કાર્યક્રમમાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. બંને નેતાઓએ હિન્દ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે પારસ્પરિક હેતુઓ તથા દ્વિપક્ષીયો સંબંધોને મજબૂતી આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શપથવિધિ કાર્યક્રમ સંપન્ન થયા પછી વડાપ્રધાન મોદીએ સોલીહ સાથે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ભારત અને માલદિવ્સ વચ્ચેનાં સંબંધોને ફરી વધુ મજબૂત કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.

 છેલ્લા કેટલાક વર્ષોથી માલદીવ્ઝ પર ચીનનું પ્રભુત્વ વધી રહ્યું હતું. એવા સમયે માલદીવ્ઝના રાષ્ટ્રપ્રમુખના શપથવિધિ કાર્યક્રમમા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ મહત્ત્વપૂર્ણ બની રહી છે. બંને નેતાઓએ ચર્ચામાં શાંતિ-સુરક્ષાને પ્રાધાન્ય આપવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, વડાપ્રધાન મોદીએ માલદીવ્ઝને આર્થિક તંગીમાંથી નિકાળવા માટે માલદીવનાં નવા રાષ્ટ્રપતિને શક્ય તેટલી દરેક મદદ કરવાની વાત કરી છે.

 

(12:32 pm IST)