Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ભીમા-કોરેગાંવ મામલે સામાજિક કાર્યકર વરવરા રાવની પુણે પોલીસે ધરપકડ કરી

નવી દિલ્‍હી :  સામાજિક કાર્યકર વરવરા રાવની પુણે પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદમાં તેમના ઘરેથી તેમની ધરપકડ કરાઈ હોવાની પુષ્ટિ તેમના પરિવારે કરી છે.

રાવના કુટુંબીજને બીબીસી સંવાદદાતા દીપ્તિ બત્તિનીને જણાવ્યું કે પોલીસે તેમને કહ્યું કે રાવને રાત 11 : 00 વાગ્યાની ફ્લાઇટથી પુણે લઈ જવાશે અને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે.

મહત્ત્વપૂર્ણ છે કે 29 ઑગષ્ટથી જ રાવ અને તેમનો પરિવાર ઘરમાં નજરકેદ હતો.

રાવના વકીલે હૈદરાબાદ હાઈકોર્ટમાં પુણે પોલીસ દ્વારા રજૂ કરાયેલા ટ્રાન્ઝિટ વૉરન્ટને પડકાર્યો છે.

વકીલનું કહેવું છે કે વૉરન્ટ મરાઠીમાં હતો અને એટલે તેને રદ કરી દેવો જોઈએ.

જોકે, કોર્ટે રાવના વકીલના તર્કોને સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદ શનિવાર સાંજે રાવની ધરપકડ કરવામાં આવી હતી.

રાવના ભત્રીજા વેણુગોપાલનું કહેવું છે, ''આ ગેરકાયદે પગલું છે. શુક્રવારે કોર્ટે આ ટ્રાન્ઝીટ વૉરંટ પર ધ્યાન નહોતું આપ્યું કારણ કે તેની મુદ્દત પૂરી થઈ ગઈ હતી. જ્યારે મુદ્દત જ પૂરી થઈ ગઈ હોય તો તેના આધારે કોઈની ધરપકડ કઈ રીતે કરી શકાય?''

''શનિવાર સાંજે પુણે પોલીસ આવી હતી. ના તો તેમની પાસે કોઈ નવું વૉરન્ટ હતું કે ના હાઈકોર્ટનો કોઈ આદેશ. પોલીસનું કહેવું હતું કે આ માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી. આ ગેરકાયદે કામ છે, જે પોલીસે કર્યું છે.''

મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ ખાતે ગત વર્ષે ડિસેમ્બર મહિનામા હિંસા ફાટી નીકળી હતી.

જે સંદર્ભે પાંચ સામાજિક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક રાવ પણ હતા.

જ્યારે અન્ય કાર્યકરોમાં સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, વરનૉન ગૉન્ઝાલ્વિઝ અને અરુણ ફરેરાની દેશના અલગઅલગ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદ કોર્ટે તેમને નજરકેદ રાખવાનો આદેશ આપ્યો હતો.

એલગાર પરિષદમાં ઉશ્કેરણી જનક ભાષણ આપીને દલિત બૌદ્ધિકો અને ડાબેરી કાર્યકરોએ આ હિંસા ભડકાવી હોવાનો પોલીસ આરોપ લગાવ્યો હતો.

(12:16 pm IST)