Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

૯૦ કરોડ લોકોને રાહત : આધારથી જારી મોબાઇલ નંબર બંધ નહિ થાય

દુરસંચાર મંત્રાલય તથા UIDAIનો મહત્વનો નિર્ણયઃ સુપ્રીમ કોર્ટે આધાર અંગે એવું નથી કહ્યું કે KYC થકી જારી થયેલા સીમ ગેરકાયદે ઠરશે : અગાઉ એવા અહેવાલ હતા કે ટેલીકોમ કંપનીઓએ ગ્રાહકો પાસે ફરીથી વેરીફીકેશન કરાવવું પડશે : ટેલીકોમ કંપનીઓએ KYC માટે આપ્યા નવા સૂચનો

નવી દિલ્હી તા. ૧૮ : યુઆઇડીએઆઇએ દેશભરના ૯૦ કરોડ મોબાઇલ ધારકોને રાહત આપીને કહ્યું છે કે, આધારથી જારી થયેલા મોબાઇલ સિમ પહેલાની માફક જ ચાલુ રહેશે.

હાલમાં મીડિયામાં ચાલી રહેલા અહેવાલ કે ૫૦ કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થવાના છે તેનાથી જો તમે પરેશાન હશો તો તમારા માટે રાહતના સમાચાર છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ સંયુકત નિવેદન જારી કરીને મીડિયામાં ચાલી રહેલા આવા કોઈ પણ અહેવાલને ફગાવ્યાં છે તથા તેને પાયાવિહોણા ગણાવ્યાં છે. UIDAIના નિવેદનમાં કહેવાયું છે કે આ પ્રકારના અહેવાલો મોબાઈલ ગ્રાહકોની અંદર એક પ્રકારનું ભયનું વાતાવરણ તૈયાર કરી રહ્યાં છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. લોકોએ આવા અહેવાલો પર ધ્યાન આપવું જોઈએ નહીં. આવું કઈ થવાનું નથી.

અગાઉ એવા અહેવાલ આવ્યાં હતાં કે દેસમાં ૫૦ કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે આ જોખમ એવા મોબાઈલ ધારકો માટે છે જેમણે કનેકશન લેવા માટે આધાર કાર્ડ સિવાય બીજુ કોઈ ઓળખપત્ર આપ્યું નથી. અત્રે જણાવવાનું કે દેશમાં લગભગ ૧૦૦ કરોડ મોબાઈલ કનેકશન છે. જો ૫૦ કરોડ મોબાઈલ નંબર બંધ થવાની અહેવાલ સાચા પડત તો કુલ મોબાઈલ કનેકશનના તે અડધા હોત. અહેવાલોમાં એમ પણ કહેવાયું હતું કે ફકત આધાર કાર્ડ આપીને મોબાઈલ કનેકશન લેનારા લોકોએ નવી KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આધાર વેરિફિકેશન દ્વારા લેવાયેલા આ સિમ કાર્ડને જો કોઈ બીજી આઈડેન્ટિફિકેશન પ્રક્રિયાનો બેકઅપ ન મળ્યો તો તે બંધ થઈ શકે છે. ત્યારબાદ આધાર દ્વારા KYC પ્રક્રિયામાંથી પસાર થનારા યૂઝર્સ ખુબ ચિંતામાં હતાં.

પરંતુ  ટેલિકોમ ઓથોરિટી અને UIDAI તરફથી જારી કરવામાં આવેલા સંયુકત નિવેદન બાદ યૂઝર્સની ચિંતા દૂર થઈ ગઈ. અત્રે જણાવવાનું કે તાજેતરમાં આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ ખાનગી કંપની કોઈ વ્યકિતના યુનિક આઈડીનો ઉપયોગ ઓળખ માટે કરી શકશે નહીં. આ ચુકાદા બાદ સરકારે નિર્ણય લીધો કે ટેલિકોમ કંપનીઓને નવેસરથી KYC પ્રક્રિયા માટે સમય આપવામાં આવશે.

દુરસંચાર કંપનીઓએ યુઆઇડીએઆઇને આ સંબંધમાં તેમની યોજના સોંપી દીધી છે. અમે તેના પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ કે કયો વિકલ્પ સરળ હોય શકે છે. અગાઉ એ પ્રકારના અહેવાલો મળ્યા હતા કે ટેલીકોમ કંપનીઓને ગ્રાહકોને બીજીવાર અરજી કરાવી પડી શકે છે. એવામાં દસ્તાવેજ જમા કર્યા બાદ ગ્રાહકોની અરજીમાં એક સપ્તાહ લાગે છે. અત્યાર સુધીમાં ૯૦ કરોડ લોકોના મોબાઇલ કનેકશન આધાર દ્વારા વેરીફાઇ થઇ ચૂકયા છે.

ગઇકાલે ટેલિકોમ સેક્રેટરી અરુણ સુંદરરાજને આ મામલે ટેલિકોમ કંપનીઓ સાથે મુલાકાત કરી અને ઓથેન્ટિકેશનના કોઈ બીજા ઉપાયો પર વિચાર કર્યો. આ સમસ્યાને લઈને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પણ યુઆઈડીએઆઈ સાથે વાતચીત કરી રહ્યું છે.

અરૂણ સુંદરરાજને જણાવ્યું કે આ વિષયને લઈને સરકાર ગંભીર છે અને તેમાંથી બહાર નીકળવા માટે બીજા વિચારો પર ચર્ચા થઈ રહી છે. તેમણે જણાવ્યું કે સરકાર ઈચ્છે છે કે નવી પ્રક્રિયાના કારણે લોકોને પરેશાન ન થવું પડે. તેમણે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે એક સરળ પ્રક્રિયા હેઠળ આ કામ થાય. જેમાં ગ્રાહકોને ઓછામાં ઓછી સમસ્યાનો સામનો કરવો પડે.

(3:29 pm IST)