Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

વિજ્યાદશમી : બિહારમાં પોસ્ટર વોર : નિતીશ 'રાવણ' તો તેજસ્વી 'રામ'

રાજકીય પક્ષો તેમના વિરોધીઓ પર નિશાન સાધવાની કોઇપણ તક ચૂકતા નથી

પટના તા. ૧૮ : રાજકીય પક્ષો તેમના વિરોધીઓ પર નિશાન સાધવાની કોઈ પણ તક ચૂકતા નથી. નવરરાત્રિના અવસર પર લોકો જયાં પૂજા-અર્ચના કરવા માટે પંડાલોમાં પહોંચે છે, ત્યાં રાજકીય પક્ષો આ ભીડ-ભાડના સ્થળોએ પણ રાજકારણ કરવાનું ચૂકતા નથી. આ જ કારણ છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (રજદ)એ પોતાના વિરોધીઓ પર નિશાન સાધવા માટે પોસ્ટરનો સહારો લીધો છે. રાજદે દશેરાની ઉજવણી પર પટનામાં પોસ્ટરને લઇને વિવાદ શરૂ થયો છે. પટના સ્થિત રાજદાના પ્રદેશ કાર્યાલય સામે લાગેલા એક પોસ્ટરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને દશાનન અને રાજદ નેતા તેજસ્વી યાદવને રામની ભૂમિકામાં દર્શાવવામાં આવ્યા છે.

રાજદના પ્રદેશ અધ્યક્ષ અને પ્રવકતા આનંદી યાદવ દ્વારા લગાવવામાં આવેલા આ પોસ્ટર પર રાજદના બધા મુખ્ય નેતાઓના ફોટા છે. આ સાથે પોસ્ટરમાં દોહાના અંદાજમાં 'જ્યારે-જયારે રાવણે અત્યાચાર કર્યો, ત્યારે-ત્યારે એક રામે જન્મ લીધો છે' લખવામાં આવ્યું છે. આ પોસ્ટર દ્વારા તેજસ્વીની ૨૧ ઓકટોબરથી શરૂ થવા જઇ રહેલી 'સંવિધાન બચાઓ ન્યાય યાત્રા' માં ભાગ લેવા માટે લોકોને વિનંતી કરવામાં આવી હતી.

બીજી તરફ આ પોસ્ટર જાહેર થયા બાદ જદ(યુ)એ રાજદ નેતા તેજસ્વી યાદવ પર કટાક્ષ કર્યો છે. જદ(યુ)ના પ્રવકતા અજય આલોકે ટ્વિટ કર્યું, 'નવત્રિમાં જે માણસ પોતાની જાતને રામ અને પિતા સમાન વ્યકિતને રાવણ ગણાવી પોસ્ટર લગાવે છે, આવા વ્યકિતને શું કહેશો તમે લોકો? મા દુર્ગાની આવા લોકોને શું જરૂર છે? તેઓ તો સ્વયંભૂ ભગવાન સ્વરૂપ છે.'

તેના એક દિવસ પહેલા કોંગ્રેસે પણ પટનાના ઘણા પંડાલો નજીક પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટર દ્વારા કોંગ્રેસે સામાન્ય લોકોને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલા ૩૫ હવાઇમથકના નામ પૂછવામાં આવ્યા છે અને રાફેલ વિમાનના શું ભાવ છે, જેવા પ્રશ્નોના જવાબો માંગવામાં આવ્યા છે. પોસ્ટરમાં આ પ્રશ્નોના સાચા જવાબ આપનારાઓને પાંચ કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરાઇ છે.

કોંગ્રેસ નેતાઓ-સિધ્ઘાર્થ ક્ષત્રિય અને વેન્કટેશ રામન-ના નામથી પટના શહેરના ઇન્કમટેક્ષ ચાર રસ્તા સહિત ઘણા સ્થળોએ આ પોસ્ટરો લગાવવા અંગે કોંગ્રેસ ઈનકાર કરી રહી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ જણાવ્યું કે કોંગ્રેસ પોસ્ટરબાજીના માધ્યમથી કોઈ પણ પ્રકારની ટીકા નથી કરતી. તેમ છતાં,  દશેરાના અવસર પર બિહારના રાજકારણમાં પોસ્ટર વોર ચાલુ છે અને લોકો દુર્ગા માતાના દર્શન ઉપરાંત આ પોસ્ટરોની પણ મજા લઇ રહ્યા છે.

(3:27 pm IST)