Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

MP ચૂંટણી ૨૦૧૮ : આંતરિક કલેહ કોંગ્રેસને કરશે નુકસાન? 'પહેલી યાદી'થી ખૂબ નારાજ છે કમલનાથ

ગઇકાલે કોંગ્રેસે પ્રદેશની ૨૩૦ વિધાનસભા બેઠકોમાંથી ૮૦ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા

ભોપાલ તા. ૧૮ : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક ડખો જોવા મળી રહ્યો છે. બુધવારે  કોંગ્રેસે પ્રદેશની ૨૩૦ વિધાનસભા બેઠકોમાંથી ૮૦ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. કહેવાય છે કે આગામી એક અઠવાડિયામાં રાજયની તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી નાખવામાં આવશે. આ બધા વચ્ચે મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કોંગ્રેસના તમામ દાવાઓને બાજુમાં હડસેલી નાખતા પાર્ટી લાઈનથી અલગ નિવેદન આપીને બધાને ચોંકાવ્યા છે.

કમલનાથે ઉમેદવારોના નામ નક્કી થવા પર કહ્યું કે હજુ ૮૦ વિધાનસભા બેઠકો માટે ફકત નામોની ચર્ચા થઈ છે. કોઈ પણ નામ નક્કી કરાયા નથી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે આ નામોને નક્કી ન ગણવામાં આવે. આ મામલે હજુ ૩-૪ બેઠકો થવાની છે. ઉમેદવારોની યાદી અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોની લિસ્ટ ૨૮-૨૯ ઓકટોબર સુધીમાં આવી જશે. અત્રે જણાવવાનું કે હાલમાં જ કમલનાથે સ્પષ્ટપણે કહ્યું હતું કે જે વ્યકિત ચૂંટણી જીતવામાં સક્ષમ હશે તેને પાર્ટી  પોતાનો ઉમેદવાર બનાવશે. પછી ભલે તે ભારતીય જનતા પાર્ટીમાંથી કેમ ન આવ્યો હોય.

આ બાજુ પ્રદેશની ૮૦ વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામ પર મહોર લાગ્યા બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રભારી દીપક બાવરીયાએ કહ્યું કે તમામ નામ કેન્દ્રીય નેતૃત્વ અને અન્ય વરિષ્ઠોની સહમતિથી ફાઈનલ કરાયા છે. બાકીની બચેલી બેઠકો માટેના નામોની જાહેરાત આગામી એક સપ્તાહમાં નક્કી કરી લેવાશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ ફાળવણીમાં મહત્વ આપવામાં આવશે નહીં. આ ૮૦ નામોમાં કોઈ પણ પેરાશૂટ ઉમેદવાર નથી. તેમણે જણાવ્યું કે નક્કી કરાયેલા નામોમાંથી ૫૦ ટકા વર્તમાન ધારાસભ્ય છે. આ સાથે જ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ લિસ્ટની યાદીમાં નવા ચહેરાઓને મહત્વ આપ્યું છે. બાવરિયાએ જણાવ્યું કે આ યાદીમાં કોઈ  પણ મોટા નેતાનું નામ ફાઈનલ કરાયુ નથી.

પાર્ટી સૂત્રોના જણવ્યાં મુજબ બુધવારે નક્કી કરાયેલા ૮૦ નામોની લિસ્ટમાં કોંગ્રેસ સાંસદ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિના અધ્યક્ષ જયોતિરાદિત્ય સિંધિયાના નીકટના લોકોને પ્રાથમિકતા અપાઈ છે. કહેવાય છે કે કમલનાથ આ સૂચિથી નારાજ છે. પાર્ટી સૂત્રોનું માનીએ તો કમલનાથ નથી ઈચ્છતા કે પ્રદેશમાં એવા લોકોને આગળ કરવામાં આવે કે જમના કારણે કોંગ્રેસની જીતમાં જરા અમથી શંકા ઊભી થઈ શકે. નોંધનીય છે કે હાલમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય સુનીલ મિશ્રાને કમલનાથે કોંગ્રેસમાં સામેલ કરાવ્યાં છે. મિશ્રા મધ્ય પ્રદેશના કટની જિલ્લાના મુડવારા બેઠકથી વિધાયક રહ્યાં છે. સુનીલે ૨૦૧૪-૧૫માં કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કરી હતી.

નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશની અનેક રેલીઓમાં સતત કહ્યું હતું કે પેરાશૂટ ઉમેદવારોને પાર્ટીની ટિકિટ અપાશે નહીં. પરંતુ તેમના આ એલાનથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ  કમલનાથ કોઈ લેવાદેવા રાખતા જોવા મળતા નથી. કમલનાથે પોતાના પહેલાના એક નિવેદનમાં કહ્યું હતું કે મધ્ય પ્રદશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતવા માટે ઉતરશે. જે જગ્યાઓ પર કોંગ્રેસ નબળી છે ત્યાં ભાજપમાંથી આવનારા ઉમેદવારોની સ્થિતિ સારી હશે તો કોંગ્રેસ તેવા વ્યકિતને પોતાનો ઉમેદવાર બનાવશે.

કોંગ્રેસમાં આ આતંરિક ખેચતાણ કયાં સુધી ચાલશે તે જોવા જેવું રહેશે. હાલ તો એ જ કહી શકાય કે કોંગ્રેસના નેતાઓમાં હજુ પણ તાલમેલ જોવા મળી રહ્યો નથી. જેના પગલે કોંગ્રેસને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.(૨૧.૭)

 

(11:26 am IST)