Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ગુજરાત-ઉત્તરાખંડ-કર્ણાટકના મુખ્‍યમંત્રીને એક ઝાટકે હટાવી દેવાતા શિવસેનાના મુખપત્ર ‘સામના'માં કટાક્ષઃ મોદી હૈ તો તો મુમકિન હૈ...

જે.પી. નડ્ડાને ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બનાવ્‍યા પછી સતત પરિવર્તન

મુંબઇઃ શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા ભારતીય જનતા પાર્ટી પર તંજ કસ્યો છે. સામનામાં છપાયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, જેપી નડ્ડાને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા પછી પાર્ટીમાં સતત પરિવર્તન થઈ રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં જે છે, તે જેપી નડ્ડા દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. નડ્ડા દ્વારા જ ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્યમંત્રી બદલવામાં આવ્યા. ગુજરાતતના મુખ્યમંત્રીને પણ એક ઝાટકામાં બદલી નાંખવામાં આવ્યા. ગુજરાતમાં તો આખા મંત્રીમંડળનું જ નવીનીકરણ કરી નાંખવામાં આવ્યું. ગુજરાતમાં તો વર્ષોથી બીજેપી માટે મહેનત કરી રહેલા નેતાઓને એક ઝાટકે હટાવી દેવામાં આવ્યા.

સામના અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત જ ધારાસભ્ય બનનાર નેતા છે પરંતુ હવે મોદી-નડ્ડાએ એવો ઝાટકો આપ્યો છે કે રાજનીતિમાં કંઈ પણ અસંભવ નથી. રૂપાણીના મંત્રીમંડળમાં સામેલ બધા જ મંત્રીઓને મોદી અને નડ્ડાએ ઘરે બેસાડી દીધા છે. જે 24 મંત્રીઓએ શપથગ્રહણ કર્યા તે બધા પ્રથમ વખત મંત્રી બન્યા છે.

રૂપાણીને અમિત શાહનું હતું સમર્થન

નીતિન પટેલ સહિત બધા જૂના-પ્રસિદ્ધ લોકોને નિકાળીને મોદી અને નડ્ડાએ ગુજરાતમાં નવો દાવ રચ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ હતા. તેમને પણ હટાવ્યા અને મંત્રી બનાવી દીધા. રૂપાણી પાછળ અમિત શાહનું સમર્થન હતુ, પરંતુ તેમના આખા મંત્રીમંડળને ઘરનો રસ્તો બતાવીને મોદી-નડ્ડાની જોડીએ એક ધરખમ રાજકીય સંદેશ પોતાની પાર્ટીને આપી દીધો છે.

નીતિન પટેલ પોતાને ‘હેવી વેટ’ સમજતા હતા. નીતિન પટેલ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા. જ્યારે રૂપાણીને હાંસિયા પર ધકેલી દેવામાં આવ્યા ત્યારે પણ નીતિન પટેલ મુખ્યમંત્રીના દાવેદાર હતા. સ્વભાવિક છે કે, તેઓ ગુજરાતમાં પાટીદાર સમાજના કદ્દાવર નેતા છે. ગુજરાતમાં પાટીદાર સમાજનું મોટુ આંદોલન થયું ત્યારથી તે સમાજ વિચલિત છે.

(6:07 pm IST)