Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ધનિક દેશોએ જ કોરોના રસીનો સ્ટોક ખરીદી લીધો

રસીનો અડધો હિસ્સો લઈ લેતાં બીજા દેશો મુશ્કેલીમાં : ૫ અગ્રણી રસી ઉત્પાદક હાલ ટ્રાયલના અંતિમ ચરણમાં, તેઓ લગભગ ૫.૯ અબજ ડોઝ સપ્લાય કરવા સક્ષમ

ન્યૂયોર્ક, તા. ૧૮ : કોરોના મહામારી વચ્ચે રસીના ઉત્પાદન અને ગળાકાપ વૈશ્વિક હરીફાઇને કારણે વિશ્વની માત્ર ૧૩ ટકા વસતિ ધરાવતા ધનિક દેશોએ ૫૦ ટકાથી પણ વધુ કોરોના રસીનો સ્ટોક પહેલેથી ખરીદી લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંગઠન ઓક્સફામના રિપોર્ટ મુજબ, ૫ અગ્રણી રસીઉત્પાદકો હાલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. તેઓ લગભગ ૫.૯ અબજ ડોઝ સપ્લાય કરવા સક્ષમ છે, જે લગભગ ૩ અબજ લોકો માટે પૂરતા છે. જોકે એમાંથી લગભગ ૫૧ ટકા ડોઝ અમેરિકા, બ્રિટન, યુરોપીય સંઘ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇઝરાયેલ જેવા ધનિક દેશોએ પહેલેથી બુક કરી રાખ્યા છે, બાકીના ૨.૬ અબજ ડોઝ ભારત, બાંગ્લાદેશ, ચીન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને મેક્સિકો જેવા વિકાસશીલ દેશોએ ખરીદ્યા છે અથવા ખરીદવાનું વચન આપ્યું છે.

ઓક્સફેમ અમેરિકાના રોબર્ટ સિલ્વરમેનનું કહેવું છે કે જીવનરક્ષક રસી સુધી પહોંચ એ બાબત પર નિર્ભર ન હોવી જોઈએ કે તમે ક્યાં રહો છો કે તમારી પાસે કેટલા પૈસા છે? નોંધનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ધાર કર્યો છે કે થોડાં અઠવાડિયાંમાં જ અમેરિકી નાગરિકોને રસી ઉપલબ્ધ કરાવી દેવાશે. યુરોપીય સંઘની પ્રમુખ ઉર્સુલા ફૉને મહામારીના સમયમાં અમેરિકા ફર્સ્ટના ટ્રમ્પના દૃષ્ટિકોણની ટીકા કરી છે.

ઉર્સુલાએ 'વેક્સિન રાષ્ટ્રવાદલ્લ સામે ચેતવતાં કહ્યું હતું કે આ આંધળી દોડથી ગરીબ દેશોના સૌથી નબળા લોકો પ્રતિ રક્ષાથી વંચિત થઈ જશે અને તેમનો જીવ જોખમમાં આવી જશે. યુરોપીય સંઘ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવાં સંગઠનોની મદદથી રસીના વધુ ન્યાયસંગત વિતરણનું સમર્થન કરશે.

(9:34 pm IST)