Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રેલવેની મુસાફરી થશે મોંઘી: એરપોર્ટની માફક મોટા રેલવે સ્ટેશનો પર યુઝર ચાર્જ વસુલાશે

યુઝર ચાર્જ યાત્રીઓની ટિકિટમાં ઉમેરાઈ જશે

નવી દિલ્હી :રેલવેની  મુસાફરી કરવી હવે મોંઘી થઈ શકે છે. રેલવે બોર્ડ ચેરમેન અને સીઈઓ વિનોદકુમાર યાદવે માહિતી આપી કે એરપોર્ટ પર વસૂલાતા યુઝર ચાર્જની જેમ હવે અમુક રેલવે સ્ટેશનો પર પણ યુઝર ચાર્જ વસૂલવામાં આવશે.જો કે, યુઝર ચાર્જ કેટલો હશે તેનો ફોડ તેમણે પાડ્યો ન હતો.

  દરમિયાન નીતિપંચના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ખાનગી ટ્રેનોનું ભાડું બજારના હિસાબે નક્કી કરાશે. પેસેન્જરને વેલ્યુ એડેડ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવાશે. રેલવેએ જાહેરાત કરી હતી કે કુલ રેલવે સ્ટેશનના 10થી 15 ટકા સ્ટેશનોમાં પર જ યુઝર ચાર્જ વસૂલાશે. સીઆરબી અને સીઈઓએ માહિતી આપી હતી કે 1050 સ્ટેશનોમાં યાત્રીઓનું ફૂટફોલ વધારાશે. ફૂટફોલ વધતાં સ્ટેશનની ક્ષમતા વધારવા તેનું પુન:નિમર્ણિ કરાશે. આ સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. દેશમાં ભારતીય રેલવેનાં આશરે 7000 રેલવે સ્ટેશન છે.

 સીઆરબી વી.કે.યાદવે જણાવ્યું હતું કે યુઝર ચાર્જ માટે રેલવે ટૂંકમાં જ નોટિફિકેશન જાહેર કરશે. જોકે યુઝર ચાર્જ કેટલો હશે તેના પર તેમણે કહ્યું હતું કે એક નાની રકમ યુઝર ચાર્જ તરીકે વસૂલાશે. રેલવેએ માહિતી આપી કે મોટાં રેલવે સ્ટેશનો અને ભીડવાળાં રેલવે સ્ટેશનોમાં યુઝર ચાર્જ વસૂલાશે. આ યુઝર ચાર્જ યાત્રીઓની ટિકિટમાં ઉમેરાઈ જશે

(11:33 am IST)