Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કમલનાથ સરકારનું સંત સંમેલન

મુખ્યપ્રધાને સાધુઓ માટે કરી લોભામણી જાહેરાતોની લ્હાણી

ભોપાલ તા. ૧૮: મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે ગઇકાલે એક સંત સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં મુખ્ય પ્રધાન કમલનાથ પોતે અને પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ''જયશ્રીરામ'', ''જય બજરંગ બલી'' અને ''ગૌ માતા કી જય હો'' જેવા નારાઓ બહુ બોલાયા હતા. સંમેલન દરમ્યાન સંતોએ આ પહેલાની ભાજપા સરકાર પર નિશાન તાકીને સંત સમાજ માટે કંઇ ન કરવાનો આક્ષેપ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે આ સંત સંમેલનનું આયોજન કમલનાથ સરકારના આધ્યાત્મિક વિભાગ દ્વારા ભોપાલના મિંટો હોલમાં કરાયું હતું. મિંટો હોલમાં પહેલા મધ્ય પ્રદેશ વિધાનસભા બેસતી હતી. હવે તેને એક કન્વેન્શન સેન્ટરમાં ફેરવી નાખવામાં આવ્યો છે. સંત સંમેલન દરમ્યાન મુખ્ય પ્રધાન કમલનાથે ભાજપાનું નામ લીધા વગર કહ્યું કે કેટલાક લોકો આના લીધે પેટમાં દુખી રહ્યું હશે કેમ કે કેટલાક લોકો એવું માને છે કે ધર્મ તેમની જાગીર છે.

મુખ્ય પ્રધાને પહેલાની ભાજપા સરકાર પર ધર્મના નામે નાણાંકીય ગોટાળા કરવાનો આક્ષેપ મુકયો હતો. કમલનાથે કહ્યું કે તેમની સરકાર નર્મદા નદીના કિનારે થયેલા વૃક્ષારોપણ, સિંહસ્થ કુંભ દરમ્યાન થયેલી નાણાકીય ગરબડોની તપાસ કરાવશે.

સંત સંમેલનમાં નામદેવદાસ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટરબાબા પણ સામેલ થયા અને સંમેલન દરમ્યાન મુખ્ય પ્રધાન કમલનાથની બાજુની ખુરસીમાં બેઠા હતા. ઉલ્લેખનિય છે કે કોમ્પ્યુટર બાબા આ પહેલાની શિવરાજ સરકારમાં પ્રધાન પણ રહી ચુકયા છે પણ પછી તેમણે છાવણી બદલી નાખી હતી અને હવે રાજય સરકારમાં નર્મદા, ક્ષીપ્રા અને મંદાકિની નદી ટ્રસ્ટના પ્રમુખપદે બેઠેલા છે. કોમ્પ્યુટર બાબાએ સરકાર પાસે ધાર્મિક સંગઠનોના આશ્રમ, કુટીર જે પાંચ વર્ષથી વધારે સમયથી હોય તેને રેગ્યુલરાઇઝ કરવાની માંગણીની સાથે સાથે સંતોને પેન્શન અને સ્વાસ્થ્ય વિમાની સુવિધાની પણ માંગણી કરી હતી. મુખ્ય પ્રધાને તેમની માંગણી સ્વીકારતા કહ્યું કે સંતોને આશ્રમ, મંદિર, ગૌશાળા અને કુટીર માટે સ્વીકારી જમીન લીઝ પર આપવામાં આવશે. તેમણે કહ્યું કે આવા સંમેલનો સમયાંતરે થતા રહેવા જોઇએ અને આગામી સંમેલન પહેલા સરકાર કોશિષ કરશે કે સંતોની માગણી પુરી કરી દેવામાં આવે.

(3:52 pm IST)