Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઇસરોએ કહ્યુઃ Thank You, ભારતીયોના સપનાને સાકાર કરતા રહીશું

અમે દુનિયાભરના ભારતીયોની આશા અને સપનાઓના દમે સતત આગળ વધતા રહીશુ

નવી દિલ્હી, તા.૧૮: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ચંદ્રયાન-૨ માટે દેશ અને દુનિયાથી મળેલા સમર્થન માટે આભાર વ્યકત કર્યો છે. ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયા બાદ પણ જે રીતે સમગ્ર દેશે એકસૂરથી ઇસરોના વખાણ કર્યા છે તેના કારણે ઇસરોના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધ્યો છે. દુનિયાભરમાંથી મળેલા સમર્થન બાદ હવે ઇસરોએ ટ્વિટ કરી તમામ સમર્થકોનો આભાર વ્યકત કર્યો છે. આ ટ્વિટની સાથે અંતરિક્ષ વિજ્ઞાન જગતમાં ભારતને ગૌરવ અપાવનારા સંગઠને દુનિયાભરમાં વસેલા ભારતીયોનું સપનું સાકાર કરવાનો ભરોસો આપ્યો છે.

ઇસરોએ પોતાના સત્ત્।ાવાર ટ્વિટર હેન્ડલથી કરવામાં આવેલા ટ્વિટમાં કહ્યું છે કે, અમારો સાથ આપવા માટે આભાર. અમે દુનિયાભરના ભારતીયોનો આશા અને સપનાઓના દમે સતત આગળ વધતા રહીશું. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમને ૭ સપ્ટેમ્બરની વહેલી પરોઢે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું પરંતુ લેન્ડર વિક્રમ ચંદ્ર સપાટીથી માત્ર ૨.૧ કિમી દૂર હતું ત્યારે તે રસ્તો ભટકી ગયું હતું.ઇસરોના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે મિશનનો માત્ર ૫ ટકા હિસ્સો જ પ્રભાવિત થયો છે. ૯૫ ટકા હિસ્સો કામ કરતો રહેશે. ૫ ટકા હિસ્સામાં માત્ર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સંપર્ક તૂટ્યો છે. તેના કારણે ચંદ્રની સપાટી વિશે જાણકારી તો નહીં મળી શકે, પરંતુ મિશનના બાકી ૯૫ ટકા એકિટવ હિસ્સાથી બીજા પ્રકારની જાણકારી મળતી રહેશે. ચંદ્રયાન-૨નું ઓર્બિટર સતત ચંદ્રની પરિક્રમા કરતું રહેશે અને તેના દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકોને જાણકારી મળતી રહેશે. મિશન ચંદ્રયાન-૨નું ઓર્બિટર આગામી એક વર્ષ સુધી કામ કરતું રહેશે. ઓર્બિટર ચંદ્રની અનેક પ્રકારની તસવીરો ખેંચીને ધરતી પર મોકલશે.

(3:08 pm IST)