Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સરકાર પાસેથી સહાય લેતા

NGO-સંગઠનો RTI હેઠળઃ સુપ્રિમ કોર્ટ

કોર્ટે કહ્યું... નાગરિકોને જાણવાનો હક્ક છે કે તેમના પૈસા કયાં વપરાય છે

નવી દિલ્હી, તા. ૧૮ :. સરકાર પાસેથી મોટી રકમ ફંડ રૂપે મેળવતા બધા બિનસરકારી સંગઠનો (એનજીઓ) અને સંસ્થાઓએ સૂચના અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવેલ માહિતી આપવી પડશે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે એક આદેશમાં કહ્યુ કે આવા એનજીઓ આરટીઆઈ કાયદા હેઠળ આવે છે. નાગરિકોને એ જાણ વાનો અધિકાર છે કે તેમના પૈસાનો દુરૂપયોગ તો નથી થતોને.

જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરૂદ્ધ બોસે પોતાના આદેશમાં કહ્યું કે અમને એવું કોઈ કારણ નથી દેખાતુ કે દેશના નાગરિકોને એવુ પૂછવાનો અધિકાર ન મળે કે તેમના નાણાનો ઉપયોગ કયાં થઈ રહ્યો છે. કોઈ એનજીઓ અથવા સંસ્થાને જે ઉદ્દેશ માટે સરકાર તરફથી નાણા અપાતા હોય તેનો ઉપયોગ કે ઉદ્દેશ માટે જ થઈ રહ્યો છે કે નહીં તે જાણવાનો નાગરિકને અધિકાર છે.

બેંચે કહ્યું કે સરકાર પાસેથી મોટી રકમ ફંડ તરીકે મેળવનાર એનજીઓ અથવા સંગઠનો માહિતી અધિકાર કાયદાની કલમ ૨ એચ હેઠળ પબ્લિક ઓથોરીટીની શ્રેણીમાં આવે છે. સુપ્રિમ કોર્ટે આ આદેશ કેટલીક કોલેજો અને સંગઠનો દ્વારા ચલાવાતી કોલેજો દ્વારા કરવામાં આવેલી અપીલ પર આપ્યો હતો.

(10:48 am IST)