Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ડીકે શિવકુમારની સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કરાયો

કોંગ્રેસના સંકટમોચકની મુશ્કેલીમાં વધારો : ટેક્સ ચોરી અને હવાલા લેવડદેવડના આધાર ઉપર કેસ

બેંગ્લોર, તા. ૧૮ : કોંગ્રેસ પાર્ટી માટે અનેક વખત સંકટ મોચક તરીકે રહી ચુકેલા કર્ણાટકના મંત્રી ડીકે શિવકુમાર નવી મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે. ઇડીએ ડીકે શિવકુમારની સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કરી દીધો છે. ઇડીના અધિકારીઓ મુજબ આ મામલો ટેક્સ ચોરી અને હવાલા લેવડદેવડના મામલાના આધાર પર દાખલ કરવામાં આવ્યો છે. ઇડીના અધિકારીઓએ કહ્યું છે કે, તપાસ સંસ્થાએ શિવકુમાર નવી દિલ્હી સ્થિત કર્ણાટક ભવનમાં કર્મચારી હનુમંત થૈયા અને અન્ય એકની સામે પીએમએલએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટેક્સ ચોરી અને કરોડો રૂપિયાના હવાલા કારોબારના મામલામાં આ વર્ષની શરૂઆતમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બેંગ્લોરની એક ખાસ અદાલતમાં તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ મામલો એજ આરોપપત્રના આધાર પર દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓના નિવેદન નોંધવા માટે તપાસ સંસ્થા દ્વારા ટૂંક સમયમાં જ સમંસ મોકલવામાં આવી શકે છે. આવકવેરા વિભાગે શિવકુમાર અને અન્ય સાથીઓ એસકે શર્મા ઉપર ત્રણ લોકોની મદદથી આવક કરતા વધુ સંપત્તિ એકત્રિત કરવાનો આક્ષેપ રહેલો છે.

અન્ય આરોપી સચિન નારાયણ પણ છે. પોતાના આરોપપત્રમાં આવકવેરા વિભાગે આક્ષેપ કર્યો હતો કે, તમામ પાંચ આરોપીઓએ ટેક્સથી બચવા માટે જાણી જોઇને ખોટીરીતે આવકવેરા સ્ટેટમેન્ટ ફાઇલ કર્યા હતા. વિભાગે કહ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં જ નવીદિલ્હી અને બેંગ્લોરમાં દરોડા દરમિયાન આશરે ૨૦ કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. શિવકુમાર સાથે સીધા સંબંધ આના રહેલા છે. કોંગ્રેસના સંકટ મોચક ગણાતા ડીકે શિવકુમારની સામે ઇડીએ મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો છે. આગામી દિવસોમાં શિવકુમારની તકલીફ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ માટે પણ મુશ્કેલી વધે તેવા એંધાણ છે.

(7:32 pm IST)