Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વિધાનસભાને ઘેરવા કોંગીનું હલ્લાબોલઃ ઘર્ષણ-અટકાયત

ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ આક્રમકઃ ગાંધીનગરમાં પોલીસની કિલ્લેબંધીઃ આંદોલનકારોની ટીંગાટોળીઃ પોલીસના વાહનોની હવા કાઢી : ગાંધીનગર વિધાનસભા બહાર કોંગ્રેસી કાર્યકરોની અટકાયતઃ ટીંગાટોળી કરીને પોલીસે વાહનમાં બેસાડયાઃ વિધાનસભા પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું : કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓની પણ પોલીસે કરી અટકાયત : વિધાનસભા તરફ ઘેરાવ કરવા આગળ વધતા કોંગી કાર્યકર્તાઓને પકડી લેવાયાઃ અર્જુનભાઇ મોઢવાડીયા સહીત કોંગ્રેસ કાર્યકરોની અટકાયતઃ ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોની રમઝટઃ વાહનોની હવા કાઢવાના પ્રયાસઃ ધારાસભ્ય વીરજી ઠુમરે મહિલા પોલીસને ધક્કો માર્યાનો આક્ષેપઃ નીતિન પટેલે ઠુમરના વર્તનની ટીકા કરી

 ગાંધીનગર તા. ૧૮ :. આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિપક્ષ કોંગ્રેસે ખેડૂતોના દેવા નાબુદી સહિતના પ્રશને પહેલા સત્યાગ્રહ છાવણી પાસે સભા અને ત્યારબાદ વિધાનસભાને ઘેરાવ કરવા માટે કૂચ કરવાનો કાર્યક્રમ આપેલ. સભા બાદ ખેડૂતો અને કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરવા પ્રયાસ કરેલ તે વખતે પોલીસે તેમને અટકાવતા થોડીવાર માટે ઘર્ષણ થયુ હતું. પોલીસે કોંગી નેતાઓની અટકાયત કરી ટોળુ વિખેર્યુ હતું.

આંદોલનમાં ભાગ લેવા માટે ગામેગામથી ખેડૂતો આવ્યા હતા. સ્થળે પર ૩ થી ૪ હજાર કાર્યકરોની હાજરી હતી. ઘેરાવ માટે કોંગ્રેસના ગાજ્યા મેઘ વરસ્યા ન હતા. ભાજપે કોંગ્રેસના આજના કાર્યક્રમને નિષ્ફળ ગણાવ્યો છે. જ્યારે કોંગ્રેસે પોતાના કાર્યકરોને અને ખેડૂતોને પોલીસે આંદોલન સ્થળ સુધી પહોંચતા બળપૂર્વક અટકાવ્યાનો આક્ષેપ કર્યો છે.

સવારથી પોલીસે પાટનગરના તમામ પ્રવેશદ્વારો પર વાહનોનું કડક ચેકીંગ શરૂ કરેલ. આ લખાય છે ત્યારે સવારે ૧૦-૩૦ વાગ્યે ખેડૂત આક્રોશ રેલી (સંમેલન)ની શરૂઆત થઇ તે વખતે કોંગી નેતાઓ સરકાર પર આકરા પ્રહારો કરેલ. સત્યાગ્રહ છાવાણી અને વિધાસભા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. કોંગ્રેસી કાર્યકરો આગળ વધવા કોશિષ કરતા પોલીસે અટકાવ્યા હતા. કોંગી નેતાઓની અટકાયત કરેલ. કેટલાક આંદોલનકારોને ટીંગાટોળી કરી દૂર ખસેડાયા હતા. થોડીવાર માટે માહોલ તંગદિલી ભર્યો થઈ ગયો હતો. કયાંક પોલીસના વાહનની હવા કાઢયાની વાતો સંભળાઈ રહી છે. સચિવાલયના પ્રવેશદ્વાર પાસે ધારાસભ્ય વિરજી ઠુંમરને એક મહિલા પોલીસ કર્મચારી સાથે બોલાચાલી થયેલ. ઠુંમરે તેને ધક્કો માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજયમાં ભાજપ સરકારની ખેડુત વિરોધી નીતીના કારણે ખેડુતો આર્થિક પાયમાલીમાં ધકેલાઇ ગયા છે. મોંઘા બિયારણ મોઘું ખાતર મોંઘી વીજળી પછી ખેડુતોને ખેતપેદાશોના પુરતા ભાવ મળતા નથી ખેડુતોના દેવા માફ નહી કરવામાં આવે તેમજ ખેડુતોની માંગણીઓ જેવી કે દરરોજ ૧૬ કલાક વીજળીખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, પાક વીમાની ચુકવણી સહિતના પ્રશ્નોનું નિરાકરણ નહી કરનાર ભાજપ સરકારની ખેડુતો વિરોધી નીતી સામે ખેડુત આકોશ રેલી સત્યાગ્રહ છાવણી સેકટર-૬, ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજેલ હતો.

કેન્દ્રની ડો.મનમોહનસિંહના વડાપ્રધાન પદે અને યુપીએ ચેર પર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશના ખેડુતોના હિતમાંં ૭૧,૦૦૦ કરોડના દેવામાફીનો ઐતિહાસિક નિર્ણય કરીને અમલ કરવામાં આવ્યો હતો જે રીતે પંજાબ તેમજ કર્ણાટકની કોંગ્રેસની સરકારોએ ખેડુતોના દેવા માફ કરી જગતના તાતનું ઋણ ચુકવ્યું છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ ગુજરાતના ખેડુતોનું સંપૂર્ણ દેવું માફ કરી ખેડુતો સાથે ન્યાય કરે તેવી માંગણી છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયની ભાજપ સરકારની વિશેષતા ખેડુત વિરોધી અને પ્રજા વિરોધી નીતી અને સરમુખત્યાર શાહી વલણને લીધે રાજયના ખેડુતો સહિત સમગ્ર પ્રજા ત્રસ્ત બનેલી છે ખેડુતો પાકવીમા, વીજળી ખેતપેદાશોના અપુરતા ભાવ સહિત અનેક વિધ સમસ્યાઓથી ઘેરાયેલા છે ત્યારે રાજય સરકારે સત્વરે ખેડુતોના દેવા માફીનો, નિર્ણય લેવાની જરૂર છે. બીજી બાજુ સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્યકત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મુકવામાં આવ્યો છે.

(3:11 pm IST)